રાજકોટ
News of Thursday, 26th March 2020

૧૮ લાખની હિરા ચોરીનો ભેદ ઉકેલાયોઃ એક સકંજામાં

જાલોરની ગેંગે ૧૯ ફેબ્રુઆરીના રેકી કરી ૧પ માર્ચના બી ડીવીઝન વિસ્તારની ગોયલ એન્ટરપ્રાઇઝમાં ચોરી કરી હતીઃ મુખ્ય આરોપી અને મુદામાલ કબ્જે કરવા રાજસ્થાન તરફ નજર દોડાવાઇ

ઝડપાયેલો લાલારામ રૂપાજી ચૌધરી

રાજકોટ, તા., ર૬: ગઇ ૧પ મી તારીખે કુવાડવા મેઇન રોડ ઉપર રણછોડદાસ આશ્રમ નજીક આવેલી ગોયલ એન્ટરપ્રાઇઝ નામની હીરાની પેઢીના શટ્ટર તોડી આશરે ૧૮ લાખની કિંમતના ૬૦ પેકેટ હીરાની ચોરી થઇ હતી. આ ગુન્હાનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી બાલારામ રૂપાજી ચૌધરી (ઉ.વ.૩પ) (રહે. અંબીકા સ્મૃતી સોસાયટી, ગણેશ વિદ્યાલય પાસે, અમદાવાદ ઓઢવ, મૂળ સાયલા, ગામ વેરા ખેતરડી, જી. જાલોર, રાજસ્થાન)ને ઝડપી લઇ ગેંગના અન્ય ૪ ની શોધખોળ આદરી છે.

બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના આ વિસ્તારમાં ૧પ-૩- રવિવાર અને શનિવારની રાત્રે બોલેરોમાં આવી પાંચ લોકોની ગેંગે ચોરીને અંજામ આપ્યો હતો. આ ગેંગનો મુખ્ય સુત્રધાર સાયલા-જાલોરનો કાલુરામ નરસાજી ચૌધરી છે. તેની સાથે જસવંતસિંહ ઠાકુર (રહે. સાયલા, જાલોર), ભગવાનરામ લીલાજી ચૌધરી (પાથેડી, રાજસ્થાન) અને ભરત મેઘવાળ (રહે. સુરાણા ગામ, જી. જાલોર) આ ચોરીમાં સંડોવાયેલા છે. ભરત અગાઉ રાજકોટના મોરબી રોડ ઉપર નોકરી કરતો હતો. તેણે કાલુરામને રાજકોટમાં હાથ મારવા ટીપ આપી હતી. જેના આધારે ૧૯ ફેબ્રુઆરીના આખી ટોળકી અમદાવાદથી રાજકોટ આવી હતી અને સ્થળની રેકી કરી ગયા બાદ ૧પ માર્ચ અને ૧૬ માર્ચની રાત્રે ચોરી કરી હતી.

આ બારામાં ફરીયાદ નોંધાયા બાદ સીસીટીવી સર્વેલન્સના આધારે પીઆઇ એચ.એમ.ગઢવીના નેજા તળે પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, યુવરાજસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કો.કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા અને પ્રદીપસિંહ જાડેજાએ કવાયત આદરી હતી. અંતે આ ચોરીમાં જાલોરની સંબંધીત ગેંગ સંકળાયાનું ફલીત થતા લાલારામ રૂપાજી ચૌધરીને ઉપાડી લેવાયો હતો. કાલુરામ સહીતના બાકીના સભ્યો અને લુંટનો મુદામાલ કબ્જે કરવા રાજસ્થાન તરફ નજર પોલીસ દોડાવી રહી છે.

આ ચોર ટોળકી બંધ ગોડાઉન, મકાન, કારખાનાઓને નિશાન બનાવી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. કર્ણાટક ખાતે  ૧ કરોડની સીગારેટની ચોરીમાં આ ટોળકી બે વર્ષ અગાઉ પકડાઇ ચુકી હતી. વધુ તપાસ ચાલી રહી છે.

(3:37 pm IST)