રાજકોટ
News of Thursday, 26th March 2020

કરિયાણાની દુકાનોએ શાકભાજી પણ મળશે : યાર્ડમાંથી ૧૮ ટ્રક પુરવઠો પહોંચાડશે

મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળે તે માટે સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા કરાવી : જે દુકાનો ખુલ્લી રાખવા મંજુરી છે તેના પર સ્ટીકરો લગાવાયા : દરેક વોર્ડમાં ટીમો કામે લગાડાઇ

લોકડાઉનની સ્થિતિમાં લોકોને કરિયાણુ અને શાકભાજી વગેરે મળી રહે તે માટે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા જાતે કરિયાણાની દુકાનોની વ્યવસ્થા કરાવી હતી તે વખતની તસ્વીરમાં શ્રી અગ્રવાલ દર્શાય છે. તેઓની સાથે સામાજીક આગેવાન પૃથ્વીસિંહ જાડેજા તેમજ અન્ય અધિકારીઓ દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ 'લોકડાઉન' પીરીયડ દરમ્યાન રાજકોટ શહેરમાં નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી.) સાથે સંકલન કરી લેવાયું છે અને માર્કેટિંગ યાર્ડમાંથી શહેરના લોકલ કરીયાણાની દુકાનોમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવી લેવાઈ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, શહેરમાં કરીયાણાની જે જે દુકાનો ખુલ્લી રહેવાની છે તે દુકાન ઉપર રાજકોટ મહાનગરપાલિકાએ લીલા રંગના સ્ટીકર લગાવ્યા છે અને તેમાં લખાયું છે કે, 'આ દુકાન લોકડાઉન સમય દરમ્યાન ચાલુ રહેશે. તેમજ આ દુકાનમાં પુરતી માત્રામાં જથ્થો ફાળવવામાં આવશે.'

માર્કેટિંગ યાર્ડમાંથી ૧૮ ટ્રક દ્વારા કરીયાણાની દુકાનોએ શાકભાજી પહોંચશે

કમિશનરશ્રીએ વિશેષમાં એમ કહ્યું કે, એ.પી.એમ.સી. સાથે કરવામાં આવેલા સંકલન મુજબ કુલ ૧૮ ટ્રક મારફત શહેરની કરીયાણાની દુકાનોએ શાકભાજીનો જથ્થો પણ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

શાકભાજીના ધંધાર્થીઓ જે તે કરીયાણાની દુકાનો પાસે પોતાના થડા લગાવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઈઝ ટીમો સંકલન કરી રહી છે. જો કરીયાણાના વેપારી પોતે ઈચ્છે તો તે પણ કરીયાણાની સાથોસાથ શાકભાજી વેંચી શકશે.

(3:35 pm IST)