રાજકોટ
News of Thursday, 26th March 2020

મોરબી રોડ ચોકડી પર સેવાભાવીને કડવો અનુભવ : જો કે પોલીસ કે તંત્રની મંજુરી વિના સેવાકાર્ય હાથ ધરવું યોગ્ય નથી

ફરજ બજાવતા પોલીસ સ્ટાફ માટે ચા-ગાઠીયા દેવા નિકળેલાઓના હક્કાબક્કા છૂટી ગયા...

રાજકોટ તા.  ૨૬: દિવસ - રાત જોયા વિના સતત કામગીરી કરતી રાજકોટ શહેર પોલીસની ભાવનાઓને સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી મધરાત્રે પણ જાહેર માર્ગો પર સુપેરે ફરજ બજાવતા સ્ટાફને  ચા - પાણી નાસ્તાની વ્યવસ્થા કરતી સેવાભાવી સંસ્થાના અમૂક કાર્યકરોને થોડો કડવો અનુભવ થયો છે. મોરબી રોડ ચોકડી ખાતે ગતરાત્રે બે વાગ્યા આસપાસ એક મહિલા  પોલીસ કર્મચારીએ ધમકાવતા થોડી નારાજગી ઉભી થઇ હતી .

બન્યું એવુ કે કાફલાને ચા-નાસ્તો પહોચાડતા સહકાર યુવા ગ્રુપ અને અન્ય  બે સંસ્થાના કાર્યકરો ગતરાત્રીના મોરબી ચોકડી પર જોગાનુજોગ ભેગા થઇ જતા પેટ્રોલીંગ પર રહેલ એક મહિલા પોલિસ  કોઇ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ ગયેલ.  માત્ર સેવા અર્થે જાહેરમાર્ગો પર ફરજ બજાવતા સ્ટાફને  સારી ભાવના  સાથે ચા - ગાઠીયા અને પાણીની   વ્યવસ્થા કરવા નિકળેલા યુવાનોને એક મહિલા પોલીસ તથા અન્ય ત્રણેક  કર્મચારીઓએ એવુ કહીને ધમકાવ્યા હતા કે તમારા જેવાઓ જ કોરોના ફેલાવે છે. સેવાના  નામે ફરવા નિકળ્યા છો, ખોટા ધતિંગ બંધ કરો નહી તો મારવા પડશે. આજે અત્યારે મારી  લાકડી ફાટી ગઇ છે નહિતો આ લાકડીથી તમારી સરભરા કરત.  તમે આ ધતીંગ બંધ કરીને ચા ના કીટલા બંધ કરી દેજો.  મીજાજ તથા વર્તણુંક પામીને ત્રણેય સંસ્થાના કાર્યકરો વિખેરાઇ ગયા હતા તેવુ જાણવા મળેલ છે.  લોકડાઉન હજુ લાંબુ ચાલશે ત્યારે સંબંધીત  જવાબદારો રસ્તા પર દિવસ રાત જોયા વિના ફરજ બજાવતા સ્ટાફ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઉપરાંત આવી સંસ્થાઓ સાથે સંકલન કરીને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે. સાથોસાથ આ સેવાભાવીઓએ પણ આ કપરા સંજોગોમાં તંત્ર કે પોલીસની મંજુરી વિના સેવા કરવા નિકળવુ ન જોઇએ તેવી પણ લાગણી પ્રવર્તે છે.

 સેવાભાવી સંસ્થાઓ નાસીપાસ ના થાય અને પોલીસના મોરલને પણ આંચ ન  આવે તે સાંપ્રત પરિસ્થિતીની જરૂરીયાત છે. અત્રે એ  પણ ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશ્નર  મનોજકુમાર અગ્રવાલના વડપણ હેઠળ પોલીસ અભૂતપુર્વક પ્રસંશનીય કામગીરી કરી રહી છે. તમામ ઉચ્ચ અધિકારીઓ , ક્રાઇમ બ્રાંચ વિગેરે અત્યંત સંવેદનશિલતા પૂર્વક પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર જોરદાર કામગીરી કરી રહ્યા છે. સેવાાભાવી  સંસ્થાઓ પણ પોલીસ સાથે સંકલન કરીને જ કામગીરી કરે તે પણ અત્યંત જરૂરી છે. રંગીલા રાજકોટમાં હાલમાં સેવાનો સુભગ સમન્વય જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર પોલીસ પોતાના થી થતી તમામ સેવાકીય પ્રવૃતિ, ફરજ અને માનવતા અંગે જબરદસ્ત પ્રયાસો કરી રહી છે. જેને બિરદાવવા  માટે પણ લખીએ તેટલા પ્રસંસાના પુષ્પો ઓછા પડે તેમ છે.

(3:35 pm IST)