રાજકોટ
News of Thursday, 26th March 2020

રાજકોટમાં જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ મળી રહે દુકાનો ખુલી રહે - માલ પહોંચે તે કાર્યવાહી કરવા આદેશો

ગઇકાલે વધુ એક કેસ પોઝીટીવ બાદ અન્ય કોઇ કેસ નથીઃ આજે વધુ ૪ ના રીપોર્ટ આવશે... : દરેક પ્રાંત-મામલતદાર-પોલીસ-કોર્પોરેશનને સુચના આપીઃ ફટાફટ પાસ આપી પરિવહન ચાલુ રાખો

રાજકોટ તા. ર૬ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને 'અકિલા' ને જણાવ્યું હતું કે, કોરાનાનો એક કેસ પોઝીટીવ આવ્યા બાદ અન્ય કોઇ કેસ પોઝીટીવ આવ્યા નથી, અને ૧૪ સેમ્પલ નેગેટીવ આવ્યા હતાં.તેમણે જણાવેલ કે, આજે વધુ ૮ સેમ્પલ મોકલાયા છે, તેના રીપોર્ટ આવશે અમે હવે વધુને વધુ સેમ્પલ મોકલી રહ્યા છીએ.

તેમણે જણાવેલ કે લોકડાઉનનો આજે બીજો દિવસ છે, લોકો ઘરોમાં જ રહે, અને જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવાઇ રહી છે, કોઇપણ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુના વહનને તકલીફ ન પડે, કરિયાણા-શાકભાજી-દૂધ ની દુકાનો ખુલ્લી રહે, માલ બરોબર પહોંચે તે જોવા અને જરૂરીયાત મુજબ ફટાફટ પાસ આપી દેવા દરેક પ્રાંત - મામલતદાર - પોલીસ - કોર્પોરેશનને આદેશો કર્યા છે.

(11:44 am IST)