રાજકોટ
News of Thursday, 26th March 2020

યાર્ડમાં દાળ-ચોખા-અનાજ-કઠોળનો પુરતો જથ્થો છે શાકભાજી માટે આજથી વોર્ડ ઓફીસમાં કાર્યવાહીઃ દુકાનો ઉપર મળશે

વેપારીઓ-મજૂરો-માણસો માટે ર દિ'માં પાસની વ્યવસ્થા ગોઠવાઇ જશેઃ દાણાપીઠ એસો. સાથે પણ મીટીંગ

રાજકોટ તા. ર૬ :.. વડાપ્રધાને જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉનનો આજે - બીજો દિવસ છે, રાજકોટ શહેર-જીલ્લામાં તમામ તંત્રો આવશ્યક ચીજ વસ્તુના પુરવઠા અંગે કામે લાગ્યા છે. કલેકટરના અધ્યક્ષસ્થાથે તમામ લેવલની મીટીંંગો મળી રહી છે.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે સવારે 'અકિલા' ને જણાવ્યું હતું કે યાર્ડના હોદેદારો સાથે ગઇકાલે મોડી રાત્રે મીટીંગ મળી હતી, યાર્ડ ચાલુ કરાવવા અંગે મંત્રણા થઇ, પરંતુ યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે માર્ચ એન્ડીંગમાં દર વર્ષે ૧૧ દિવસ યાર્ડ બંધ જ હોય છે, મજૂરો પણ ચાલ્યા ગયા છે, અને જો ચાલુ કરાશે તો ખેડૂતોનો ધસારો જોતા ટોળા એકઠા થશે, પરીણામે પોલીસ સાથે ઘષર્ણ થઇ શકે છે.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે યાર્ડ બંધ છે, પરંતુ દરેક વેપારી પાસે દાળ-ચોખા-અનાજ - કઠોળનો ૮ થી ૧૦ દિવસ ચાલે એટલો પુરતો પુરવઠો છે, તેમજ આ વેપારીઓ અને  રાજકોટના રીટેલ કરીયાણાના વેપારીઓ પોતે અથવા તો માણસો- મજૂરો દ્વારા રેંકડી કે અન્ય વાહન દ્વારા પરીવહન કરી શકે તે માટે કાલ સુધીમાં જરૂર મુજબ પાસની વ્યવસ્થા ગોઠવાઇ જશે, દરેક પ્રાંતને આ બાબતે સત્તા આપી છે.

તેમણે જણાવેલ કે ગઇકાલે દાણાપીઠ  એસો. સાથે પણ મીટીંગ થઇ છે, જરૂરીયાત મુજબ મીનીયમ પાસ અપાશે.

શાકભાજી અંગે તેમણે જણાવેલ કે જૂના યાર્ડમાં શાકભાજીની આવક ચાલુ છે, અને ત્યાંથી દરેક વોર્ડ ઓફીસે શાક લાવવા અને કરીયાણાની દુકાનો ઉપર પણ શાક મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કોર્પોરેશન કરી રહ્યું છે, આજથી તે કાર્યવાહી પણ થઇ જશે.

(10:24 am IST)