રાજકોટ
News of Tuesday, 26th March 2019

નવલનગરના નરેન્દ્રસિંહ પર હુમલો થયો ત્યારે દિકરી નેન્સી ડોડીયા પર કેરોસીન છંટાયું'તું

ચામડીમાં ઇન્ફેકશન આવતાં સારવાર માટે દાખલઃ ભાયુભાગની જમીન મામલે ભાણેજ રાજદિપસિંહ અને તેના માતા સરોજબેને હુમલો કર્યાની ફરિયાદ અગાઉ થઇ'તી

રાજકોટ તા. ૨૬: નવલનગર-૬માં નાગબાઇ કૃપા ખાતે રહેતાં રિક્ષાચાલક ગુર્જર રાજપૂત યુવાન નરેન્દ્રસિંહ ઉર્ફ નયન ગગજીભાઇ ડોડીયા (ઉ.૩૮) અને તેની દિકરી નેન્સી (ઉ.૧૬) તથા પત્નિ આશાબેન (ઉ.૩૫) રવિવારે ૨૪મીએ બપોરે સાડા બારેક વાગ્યે ચંદ્રેશનગર-૨માં  ભાણેજ રાજદિપસિંહ ખુમાનસિંહ ડાભીના ઘરે ભાયુભાગની જમીનના દસ્તાવેજની ફાઇલ બાબતે વાત કરવા ગયા ત્યારે રાજદિપસિંહ અને તેના માતા સરોજબેન ખુમાનસિંહ ડાભીએ મળી હોકી, છરીથી હુમલો કરી પત્નિ આશાબેન વચ્ચે પડતાં તેને પણ વાંસાના ભાગે ચેઇનથી માર મારવામાં આવ્યાની ફરિયાદ થઇ હતી. દરમિયાન આજે નરેન્દ્રસિંહની દિકરી નેન્સીને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને એવો આક્ષેપ કરાયો છે કે રવિવારે નેન્સી ઉપર પણ રાજદિપસિંહ અને સરોજબેને કેરોસીન છાંટી સળગાવવા પ્રયાસ કર્યો હતો. આ અંગેની એન્ટ્રી માલવીયાનગરમાં નોંધાવાઇ છે.

નરેન્દ્રસિંહ ડોડીયાની ફરિયાદ પરથી રવિવારે જ પોલીસ રાજદિપસિંહ અને સરોજબેન સામે ગુનો નોંધ્યો હતો. હવે તેમની દિકરી નેન્સી ઉપર કેરોસીન છાંટવામાં આવ્યાનું કહી તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રવિવારે પોતાના તથા પત્નિ પર બહેન અને ભાણેજે હુમલો કર્યો ત્યારે જ દિકરી નેન્સી પર કેરોસીન છંટાયું હતું. તેને ઇન્ફેકશન થઇ જતાં આજે દાખલ કરવી પડી છે.

(3:43 pm IST)