બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ : ચીરાગ અને મીહિર પકડાયા
બંનેએ હાર્દિક નામના શખ્સ પાસેથી બાઇક ખરીદ કર્યાની કબુલાત
રાજકોટ, તા. ર૬ : ભાભા હોટલ નજીક આવેલી સેલ્સ એજન્સી પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા. મળતી વિગત મુજબ ભાભા હોટલ નજીક આવેલ કાન્તી સેલ્સ એજન્સી પાસે બે શખ્સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાથી ક્રાઇમ બ્રાંચના રાજદીપસિંહ ગોહીલ અને સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, હેડ કોન્સ. ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે દરોડો પાડી નંબર વગરના ચોરાઉ બાઇક સાથે ચીરાગ ધીરાજલાાલભાઇ ત્રાંબડીયા (ઉ.વ.૩૧ ) (રહે. ચંદ્રેશનગર ખીજડા વાળો રોડ) અને મિહીર વિઠ્ઠલભાઇ બોરસણીયા (ઉ.વ.૩૦) (રહે. આદિત્ય પાર્ક શેરી નં. ૧/૬ બાલાજી હોલ પાસે, ને પકડી લીધા હતા. પુછપરછમાં બંનેએ બે વર્ષ પહેલા હાર્દિક નામના શખ્સ પાસેથી બાઇક ખરીદ કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બાઇકના એન્જીન અને ચેસીસ નંબર પરથી તપાસ કરતા આ બાઇક વાંકાનેરના વણજારા ગામના પરબતભાઇ વાઢેરનું હોવાનું જાણવા મળ્યું છે.