રાજકોટ
News of Wednesday, 26th February 2020

પત્નિ સાથે ઝઘડો થતાં જુવાનસિંગ ઝાડવે લટકી ગયોઃ દિકરો જોઇ જતાં બચી ગયો

મુળ મધ્યપ્રદેશનો યુવાન આજીડેમ પાસે વાડીમાં રહી મજૂરી કરે છેઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: આજીડેમ ચોકડી પાસે આવેલી અલ્પેશભાઇ જસુભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના જુવાનસિંગ માનસિંગ માવી (ઉ.૩૫) નામના યુવાને સાંજે વાડીએ ઝાડમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેનો પુત્ર સંજય જોઇ જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં જુવાનસિંગને ઉતારી લઇ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.

જુવાનસિંગ ચાર ભાઇમાં મોટો છે. પત્નિ, બે પુત્ર, બે પુત્રી, ભાઇ સહિતના સ્વજનો સાથે આજીડેમ પાસે વાડીમાં રહી મજૂરી કરે છે. સાંજે કામ બાબતે પત્નિ રમતુ સાથે ઝઘડો થતાં તેને માઠુ લાગી જતાં આપઘાતનો પ્રયાસ કર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:38 am IST)