રાજકોટ
News of Monday, 26th February 2018

કરૂર વૈશ્ય બેંકના ૧૩ કરોના કોૈભાંડમાં ઓફિસર પ્રતિકને સાથે રાખી બેંકમાં તપાસ

પ્રતિકના પાંચ દિવસના રિમાન્ડઃ યાજ્ઞિક રોડ પરની બેંક ખાતે ચીફ બેંક મેનેજરની હાજરીમાં પુછતાછઃ દસ્તાવેજોની ચકાસણી કરાઇ

રાજકોટ તા. ૨૬: ડો. યાજ્ઞિક રોડ પર જીમખાના કલબ કોમ્પલેક્ષમાં આવેલી કરૂર વૈશ્ય બેંક સાથે રાજકોટની ગ્રીનફાર્મ એગ્રી  એક્ષપોર્ટ પેઢીના ભાગીદાર લોહાણા પરિવારના પાંચ સભ્યો અને આ બેંકના જ એક ઓફિસરે સીસી લોન મેળવી રૂ. ૧૩ કરોડ ૬ લાખની ઠગાઇ કરતાં એ-ડિવીઝન પોલીસે બે માસ પહેલા ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં બેંકના ઓફિસર અમદાવાદ રહેતાં પ્રતિક નગીનદાસ વૈશ્ય (ઉ.૩૦-રહે. સેટેલાઇટ રોડ, ઉમિયા વિજય બસ સ્ટોપ પાસે બીમાનગર સોસાયટી)ની શનિવારે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. આજે પ્રતિકને સાથે રાખી યાજ્ઞિક રોડ પરની કરૂર વૈશ્ય બેંક ખાતે તપાસ કરવામાં આવી હતી.

 પોલીસે મુળ ઓરિસ્સાના અને હાલ સોૈરભ રેસિડેન્સી ત્રીજા માળે ફલેટ નં. ૩૦૨માં રહેતાં અને યાજ્ઞિક રોડ પર આવેલી કરૂર વૈશ્ય બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતાં સંજીવકુમાર ગોૈરહરિ જેના (ઉ.૪૧)ની ફરિયાદ પરથી રાજકોટ અમીન માર્ગ પર ૧૦૪-સ્ટાર વિન્ટેજ એપાર્ટમેન્ટ બંસી પાર્કમાં રહેતાં અને ગ્રીનફાર્મ એગ્રી એક્ષપોર્ટ નામથી ચાલતી પેઢીના ભાગીદાર દિનેશ જયંતિલાલ તન્ના, બીજા ભાગીદાર પેન્ટાગોન, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે રહેતાં દિપ મહેશભાઇ તન્ના, તથા આ બંનેના સિકયુરીટી જામીન બનેલા રીટાબેન દિનેશ તન્ના, પુજાબેન મહેશ તન્ના, અને મહેશભાઇ જયંતિભાઇ તન્ના તથા બેંકના ઓફિસર પ્રતિક નગીનદાસ વૈશ્ય સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો હતો.

પ્રતિકની ધરપકડ બાદ પુછતાછ થતાં તેણે ઓળખાણને કારણે દિપ તન્નાને પાંચ ફોર્મમાં સહીઓ કરી દીધી હતી. તેના આધારે તેણે મુંબઇથી માલ છોડાવી લીધો હતો. મિત્ર દરજ્જે આમ કર્યુ હતું. દિપ તન્ના હજુ પોલીસ પકડથી દુર છે. પ્રતિકના રિમાન્ડ મળતાં પોલીસે બેંક ખાતે પહોંચી ચીફ મેનેજરની હાજરીમાં પુછતાછ કરી બેંકમાં દસ્તાવેજો પણ ચકાસ્યા હતાં. પી.આઇ. વી.એન. યાદવ, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, રામગરભાઇ ગોસાઇ, દિપકભાઇ, ગજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(4:01 pm IST)