રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાષ્‍ટ્રીય મતદાતા દિવસ : લક્ષ્મીવાડીમાં રહેતા ૯૦ વર્ષના ઉજીબેનનું શાલ ઓઢાડી સન્‍માન : જો કે આવ્‍યા ત્‍યારે તંત્રને ખબર નહોતી !!

ચૂંટણી તંત્રની લોકોમાં ભારે ટીકા : પત્રકારોએ ધ્‍યાન દોર્યુ ત્‍યારે વ્‍હીલચેર સાથે લેવા આવ્‍યા

રાજકોટ તા. ૨૫ : આજે રાષ્‍ટ્રીય મતદાતા દિવસ છે, રાજકોટ કલેકટર કચેરીમાં બપોરે ૧૨ાા-૧ વાગ્‍યાથી યુવા અને વયોવૃધ્‍ધ મતદારો તથા બીએલઓની શ્રેષ્‍ઠ કામગીરી કરનાર મતદારોનું સન્‍માન કરતો કાર્યક્રમ કલેકટરના અધ્‍યક્ષ પદે યોજાયો હતો. કલેકટરની ચૂંટણી શાખાએ આ સન્‍માન સંદર્ભે લક્ષ્મીવાડીમાં રહેતા અને દર વર્ષે ચૂંટણીમાં મતદાન કરતા ૯૦ વર્ષની વયના અત્‍યંત જીણ શરીર... વાંકા વળીને માંડ માંડ ચાલી શકતા... ઉજીબેન લાખાભાઇ ગુજરાતીને સન્‍માન કરવાનું હોય ૧૨ વાગ્‍યે આવી જજો તેમ આમંત્રણ આપ્‍યું હતું, પરિણામે ઉજીબેનને લઇને તેમના ભાઇના દીકરી કલેકટર કચેરીએ જામટાવર સામેના ગેઇટમાંથી અંદર આવી પહોંચ્‍યા હતા, અને આવીને ગેઇટ પાસે રહેલ ફુટપાથ પર બેસી ગયા હતા. આ તકે ત્‍યાં ઉભેલા પત્રકારોએ વૃધ્‍ધા ઉજીબેનને પૂછતા તેમની સાથે રહેલ તેમની ભત્રીજીએ જણાવેલ કે, આજે મતદાતા દિવસ છે, એટલે તેમનું સન્‍માન કરવાનું હોય એટલે બપોરે ૧૨ વાગ્‍યે બોલાવ્‍યા છે, કાર્યક્રમ ૧ વાગ્‍યાનો હતો, છતાં ૧ કલાક વહેલા બોલાવાયા. એટલું જ નહી આ માજી આવી પહોંચ્‍યા ત્‍યારે કોઇ અધિકારી કે નાયબ મામલતદાર તેમને લેવાવાળા નહોતા. માજી ચાલી શકતા ન હતા. ચૂંટણી પંચનો દેશભરમાં કાર્યક્રમ છે, પંચ મતદારોને અત્‍યંત માન આપે છે પરંતુ કલેકટર તંત્રની ચૂંટણી શાખાએ આટલા વયોવૃધ્‍ધ મતદારની કોઇ દરકાર ન કરતા લોકોમાં ભારે ટીકા થઇ હતી. આ પછી પત્રકારોએ આજે અધિકારીઓનું ધ્‍યાન દોરતા તેમણે તાબડતોબ ચૂંટણી શાખાને સૂચના આપી હતી અને ચૂંટણીના અધિકારીઓ વ્‍હીલચેર ઉપર વૃધ્‍ધા મતદારને બીજા માળે લઇ ગયા હતા. માજી ઉઘાડાપગે આવ્‍યા હોય, તંત્ર દ્વારા શાલઓઢાડી સન્‍માન કરી તેમના માટે સ્‍લીપર અંગે વ્‍યવસ્‍થા કરવા સૂચના અપાઇ હતી.

(3:42 pm IST)