રાજકોટ
News of Wednesday, 25th January 2023

રેલનગરમાં ટી.પી. રોડ પરના ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન : ૧.૭૦ કરોડની જમીન ખુલ્લી

સૂર્યા પાર્ક પાસે ર૪ મી તથા રેલ્વે ટ્રેકને લાગુ ૧ર મી ટી.પી. રોડ પરનો ૩પ૦ ચો.મી. જમીન ગેરકાયદે દબાણો દુર કરાયા : સેન્ટ્રલ ઝોનની ટી.પી. શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. રપ : મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે વોર્ડ નં. ૩ નાં રેલનગર વિસ્તારમાં આવેલ સૂર્યા પાર્ક પાસે ટી.પી. રોડ ખુલ્લો કરવા ગેરકાયદે બાંધકામો ના દબાણો દુર કરી ૧.૭પ કરોડની ૩પ૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશ્નર અમિત અરોરા  સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર  એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા આજ તા.૨૫ ના રોજ શહેરના સેન્દ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩ માં ટી.પી. સ્કોમ-૧૯ (રાજકોટ) ગુજરાત સરકાર  દ્વારા તા.૩૧ થી અંતિમ મંજુર કરવામાં આવેલ હોઈ, અમલીકરણના ભાગરૃપે યોજનામાં સમાવિષ્ઠ ટી.પી. રોડ પૈકી સુર્યા પાર્ક પાસે, રેલનગર ટાંકાની સામેના ૨૪.૦૦ મી. ટી.પી. રોડ તથા રેલ્વે ટ્રેકને લાગુ ૧૨.૦૦ મી. ટી.પી. રોડ પરના ગેરકાયદેસર બાંધકામ અન્વયે નોટીસ ઈસ્યુ કરી દબાણ દુર કરવા જણાવવામાં આવેલ. તેમજ આ બાબતે દબાણગ્રસ્તોને ગેરકાયદેસર બાંધકામ જાતે દુર કરવા મૌખિક સુચના આપવામાં આવેલ. જે અન્વયે આજ દબાણો દુર કરી, અંદાજે ૧.૭૫ કરોડની કિંમતની ૩૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ જગ્યા રોકાણ અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

(3:17 pm IST)