રાજકોટ
News of Wednesday, 25th January 2023

સરધારમાં ૧૬ વર્ષની બાળા શાળાએ જવા નીકળ્‍યા બાદ ગૂમ થઇઃ અપહરણનો ગુનો

મુળ મધ્‍યપ્રદેશનો ખેત મજૂર પરિવાર ચિંતામાં મુકાયોઃ આજીડેમ પોલીસે તપાસ શરૂ કરીઃ બાળાના હાથ-પગના આંગળામાં ખોડખાપણ છેઃ શ્‍યામવર્ણની છે

રાજકોટ તા. ૨૫: સરધારમાં રહેતાં મધ્‍યપ્રદેશના ખેત મજૂર પરિવારની ૧૬ વર્ષની દિકરી બે દિવસ પહેલા ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા છે. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે મુળ મધ્‍યપ્રદેશ અલીરાજપુરના ઘુસીયા બયડા ગામના અને હાલ સરધારમાં વાડીમાં રહી મજૂરી કરતાં અપહૃત સગીરાના પિતાની ફરિયાદને આધારે અજાણ્‍યા સામે અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્‍યું છે કે મારે પાંચ સંતાન છે જેમાં એક ૧૬ વર્ષની દિકરી છે. તા. ૨૩/૧ના સવારે અગિયારેક વાગ્‍યે હું ખેતરમાં કામ કરતો હતો તયરે મારી સોળ વર્ષની દિકરી સ્‍કૂલે જવાનું કહીને વાડીએથી નીકળી હતી. સાંજે પાંચ વાગ્‍યે બધા છુટી ગયા પછી મારી દિકરી ઘરે ન આવતાં તપાસ શરૂ કરી હતી. આસપાસની વાડીઓમાં, ગામમાં અમારા  મુળ વતન અને સગા સંબંધીઓને ત્‍યાં પણ તપાસ કરી હતી પરંતુ અમારી દિકરીનો પત્તો મળ્‍યો નહોતો. અંતે અમે વાડી માલિકને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.

સગીરા ગૂમ થવાના કિસ્‍સામાં આજીડેમ પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ જે. કે. ગઢવીએ અજાણ્‍યા સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જે બાળા ગૂમ થઇ છે-અપહરણ થયું છે તેણી ઘરેથી નીકળી ત્‍યારે લાલ કલરનો ડ્રેસ અને લાલ ચોરણી પહેર્યા હતાં. તે શ્‍યામ વર્ણની છે અને બંને હાથ , બંને પગના આંગળા ખોડખાપણવાળા છે. આ વર્ણન મુજબની બાળા કોઇને જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. 

(3:10 pm IST)