રાજકોટ
News of Wednesday, 25th January 2023

કેમીસ્‍ટ એસો. રાજકોટ દ્વારા કાલે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ : નામ નોંધણી પુરજોશમાં

રકતદાન એ જ મહાદાન : એકત્ર થનાર લોહી સિવિલ હોસ્‍પિટલની બ્‍લડ બેંકમાં આપી દેવાશે, જ્‍યાં થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોને નિઃશુલ્‍ક અપાશે :પ્રેરણાદાયી પગલું :સવારે ૯ થી બપોરે ૧ સુધી પ્રિમિયર સ્‍કૂલ ખાતે આયોજન : સ્‍પોટ રજીસ્‍ટ્રેશન પણ ઉપલબ્‍ધ : સર્વજ્ઞાતિના વધુને વધુ લોકો આ સેવાકાર્યમાં જોડાય તેવી કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ અનિમેષ દેસાઇ અને મંત્રી બાબુલાલ ભુવાની જાહેર અપીલઃ મો. નં. ૮૮૬૬૨ ૧૦૦૦૪ ઉપર સંપર્ક કરી શકાય છે : પ્રિમિયિર સ્‍કૂલ, ૩૩૪ રાઉન્‍ડ ટેબલ ઇન્‍ડિયા તથા અભિયાન માત્ર સેવા સંસ્‍થાઓનો અમૂલ્‍ય સહયોગ

રાજકોટ,તા. ૨૫ : ‘રકતદાન એ જ મહાદાન' ઉકિતને સાર્થક કરવાના હેતુસર સતત સેવાકાર્યો કરતા ૧૨૦૦ જેટલા દવાના વેપારીઓના સંગઠન કેમીસ્‍ટ એસોસીએશન રાજકોટ દ્વારા આવતીકાલ તા. ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી પ્રિમિયર સ્‍કૂલ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, શિલ્‍પન ઓનીક્ષની પાછળ, બી.ટી.સવાણી સામેનો રોડ, કેરાલા પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. કેમ્‍પમાં એકત્રિત થયેલુ તમામ લોહી થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોને નિઃશુલ્‍ક મળી રહે તે માટે સિવિલ હોસ્‍પિટલ રાજકોટની બ્‍લડ બેંકને આપી દેવામાં આવશે. તેવું પ્રેરણાદાયી પગલું કેમીસ્‍ટ એસો. રાજકોટ દ્વારા ભરવામાં આવ્‍યું છે.

બ્‍લડ ડોનેટ કરવા માટે નામ નોંધાવવા મો. નં.૮૮૬૬૨ ૧૦૦૦૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. સ્‍થળ ઉપર સ્‍પોટ રજીસ્‍ટ્રેશન પણ કરાવીને આ સેવાકાર્યમાં જોડાઇ શકાય છે. થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોને નિયમિત રીતે સમયાંતરે લોહીની જરૂર પડતી હોય છે.ત્‍યારે તેઓને જરૂરી પૂરતો સહયોગ આપી શકાય. તે હેતુથી આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું કેમીસ્‍ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ અનિમેષભાઇ દેસાઇ તથા મંત્રી બાબુલાલ ભુવાએ અકિલાને જણાવ્‍યું હતું. સાથે-સાથે સર્વજ્ઞાતિના વધુને વધુ લોકો આ સેવાકાર્યમાં જોડાય તેવી જાહેર અપીલ પણ કેમીસ્‍ટ એસો. ના હોદેદારોએ કરી છે.

આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં રાજકોટની અન્‍ય સંસ્‍થાઓ પ્રિમિયર સ્‍કૂલ્‍સ, ૩૩૪ રાઉન્‍ડ ટેબલ ઇન્‍ડિયા તથા અભિયાન માત્ર સેવા (એનજીઓ)નો અમૂલ્‍ય સહયોગ પ્રાપ્‍ત થયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કેમીસ્‍ટ એસો.રાજકોટ દ્વારા વર્ષ દરમ્‍યાન બ્‍લડ ડોનેશન કેમ્‍પ સહિતના સેવાકીય, સાંસ્‍કૃતિક, સામાજીક, સંસ્‍થાકીયહિતને લગતા હકારાત્‍મકકાર્યો સતત થતાં જ રહે છે.

(10:49 am IST)