રાજકોટ
News of Wednesday, 25th January 2023

સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના : પોસ્‍ટ ઓફિસમાં ૯ મહિનામાં ૧૮ હજાર ખાતા ખોલાયા : ૪૮ હજાર દિકરીઓને લાભ

૯-૧૦ ફેબ્રુઆરીએ દેશભરમાં ખાતા ખોલવા ખાસ ઝુંબેશ

રાજકોટ તા. ૨૪ : શ્રેષ્ઠ સમાજની પરિકલ્‍પનાને સાર્થક કરવા માટે કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવોની સંકલ્‍પનાને લઈને આગળ ધપી રહી છે. જે અન્‍વયે દીકરીનું જીવન સુખ-સમૃધ્‍ધિથી સભર રહે તે માટે ભારત સરકારે ‘સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના' અમલી બનાવી છે. આગામી તા. ૯ અને ૧૦ ફેબ્રૂઆરી ૨૦૨૩ દરમિયાન સમગ્ર ભારતભરમાં ‘સુકન્‍યા સમૃધ્‍ધિ' ખાતા ખોલવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

રાજકોટ ડિવિઝન પોસ્‍ટ ઓફિસમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે આ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦૨૨ થી ડિસેમ્‍બર-૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૮ હજાર જેટલા ખાતા ખોલવામાં આવ્‍યા છે અને રાજકોટ જિલ્લામાં આશરે ૪૮ હજારથી વધુ દીકરીઓએ ‘સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના'નો લાભ લઈ રહી છે. જે દીકરીઓના ખાતા નોંધાયેલા તેઓને દીકરીઓને ૭.૬ ટકાના દરે ચક્રવૃધ્‍ધિ વ્‍યાજ ચુકવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લખનીયછે કે, ૨૦૧૫થી શરૂ થયેલી ‘સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના'નો લાભ મેળવવા માટે ૦ થી ૧૦ વર્ષની વચ્‍ચે દીકરીનું કોઈપણ પોસ્‍ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું આવશ્‍યક છે. જેમાં ખાતું ખોલાવ્‍યાથી ૧૫ વર્ષ સુધી પૈસા ભરી શકાય છે. અને ખાતું ખોલાવ્‍યા બાદ ૨૧ વર્ષે આ ખાતું પરિપક્‍વ થાય છે. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછી ૨૫૦ થી વધુમાં વધુ ૧ લાખ ૫૦ હજારની રકમ જમા કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રકમ જમા કરાવવી આવશ્‍યક છે. જમા રકમ ઉપર ૮૦-સી હેઠળ ટેક્‍સની છુટ પણ મળે છે. તેમજ ઉચ્‍ચ અભ્‍યાસ માટે જમા થયેલી રકમના ૫૦% નાણાં ઉપાડી શકાય છે, અને લગ્ન માટે દીકરીની ઉંમર ૧૮ વર્ષ થાય ત્‍યારે ખાતું વહેલું બંધ કરાવી જમા રકમ ઉપાડી શકાય છે. અન્‍યથા ખાતાની મુદ્દત ખોલાવ્‍યા ત્‍યારથી ૨૧ વર્ષની હોય છે. દીકરી એક વર્ષની થાય અને ત્‍યારથી પ્રતિમાસ ૧૦૦૦ રૂ. જમા કરાવે તો ખાતું ૨૧ વર્ષની પરિપક્‍વતાએ ૫,૧૦,૩૭૩ રૂ મેળવી શકે છે અને પ્રતિમાસ ૫૦૦૦ રૂ. જમા કરાવે તો ખાતું ૨૧ વર્ષની પરિપક્‍વતાએ ૨૫,૫૧,૮૫૫ રૂ મેળવી શકે છે. નવા નિયમ મુજબ એક કુંટુંબની બે દીકરીઓનું જ ખાતું ખોલવવાની જોગવાઈ છે. આ યોજનાનો લાભ નજીકની પોસ્‍ટ ઓફિસ અને સરકાર દ્વારા અધિકૃત કરેલી બેંકમાં દીકરીના જન્‍મનું પ્રમાણપત્ર અને રહેણાંકના પુરાવા રજુ કરીને ફોર્મ ભરીને મેળવી શકાય છે.

(1:21 pm IST)