રાજકોટ
News of Wednesday, 25th January 2023

અમેરિકાને સૌથી વધુ નુક્‍સાન પહોંચાડનાર ક્‍યુબાની જાસુસ ‘એના મોન્‍ટેસ'

૬ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ ૨૦ વર્ષના જેલવાસ બાદ મુક્‍ત થનાર એના મોન્‍ટેસ અમેરિકાની બે દાયકાથી ક્‍યુબા માટે જાસૂસી કરી રહી હતી : એના મોન્‍ટેસ યુ.એસ. ગુપ્તચર સમુદાયની અંદર જ ક્‍યુબન માટે જાસૂસી કરી રહ્યા હતા અને યુએસની લશ્‍કરી માહિતી લીક કરી હતી : એના મોન્‍ટેસે ક્‍યુબામાં શોર્ટવેવ એન્‍ક્રિપ્‍ટેડ ટ્રાન્‍સમિશન દ્વારા પોતાના ગુપ્ત સંદેશાઓ પહોંચાડ્‍યા હતા : ૧૯૮૫માં ‘મોન્‍ટેસ' ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સી (DIA)માં જોડાયા બાદ તેણીની પ્રથમ સોંપણી વોશિંગ્‍ટનમાં બોલિંગ એરફોર્સ બેઝ પર ગુપ્તચર સંશોધન નિષ્‍ણાત તરીકે થઇ હતી : મોન્‍ટેસને લાગ્‍યું હતું કે યુએસ સરકાર દ્વારા ક્‍યુબાના લોકો સાથે અન્‍યાયી વર્તન કરવામાં આવ્‍યું છે

ઘણીવાર આપણે જાસુસી ઉપર બનેલી ફિલ્‍મો અને ટીવી સીરીયલો જોઇ છે પણ હકીકતમાં જાસુસની કામગીરી ખુબ અઘરી હોય છે. મોટા ભાગના દેશો તેના વિરોધી અથવાતો દુશ્‍મન દેશમાં પોતાના જાસુસો દ્વારા તેની ગુપ્તચર માહિતીઓ મેળવતા હોય છે. તાજેતરમાં અમેરિકાએ તેની જાસુસી કરનાર એક ઇન્‍ટલીજન્‍ટ જાસુસ ક્‍યુબાની ‘એના મોન્‍ટેસ' ને ૬ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રોજ ૨૦ વર્ષના જેલવાસ બાદ મુક્‍ત કરી હતી. અમેરિકાના હાથે પકડાયેલ એના મોન્‍ટેસને કોલ્‍ડ વોરની સૌથી શ્રેષ્ઠ જાસૂસ માનવામાં આવે છે. ૬૫ વર્ષીય એના મોન્‍ટેસ લગભગ બે દાયકાથી ક્‍યુબા માટે જાસૂસી કરી રહ્યા હતા. તેણીએ અમેરિકામાં ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સીમાં વિશ્‍લેષક તરીકે કામ કર્યું હતું. એક સમયે એના મોન્‍ટેસથી અમેરિકા આખો દેશ ખતરામાં આવી ગયો હતો. કોણ છે આ ગજબની જાસુસ આવો જાણીએ.

જએના બેલેન મોન્‍ટેસ (જન્‍મ ફેબ્રુઆરી ૨૮, ૧૯૫૭) એ યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સીના ભૂતપૂર્વ અમેરિકન વરિષ્ઠ વિશ્‍લેષક છે જેમણે ૧૭ વર્ષ સુધી ક્‍યુબન સરકાર વતી જાસૂસી કરી હતી. ૨૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૧ ના રોજ મોન્‍ટેસની ધરપકડ કરવામાં આવી હતી અને ત્‍યારબાદ ક્‍યુબાની સરકાર માટે જાસૂસી કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. મોન્‍ટેસે જાસૂસી માટે દોષ કબૂલ્‍યો અને ઓક્‍ટોબર ૨૦૦૨માં તેને ૨૫ વર્ષની જેલની સજા અને ત્‍યારબાદ પાંચ વર્ષની પ્રોબેશનની સજા ફટકારવામાં આવી. તેણીને ૨૦ વર્ષના જેલવાસ પછી ૬ જાન્‍યુઆરી, ૨૦૨૩ ના રોજ મુક્‍ત કરવામાં આવ્‍યા હતા. મોન્‍ટેસનો જન્‍મ ન્‍યુરેમબર્ગમાં થયો હતો જે તે સમયે પヘમિ જર્મનીમાં હતું. જયાં તેના પિતા આલ્‍બર્ટો મોન્‍ટેસ, યુનાઇટેડ સ્‍ટેટ્‍સ આર્મી ડોક્‍ટર તરીકે પોસ્‍ટેડ હતા. તેણીનો પરિવાર સ્‍પેનના અસ્‍તુરિયન પ્રદેશમાંથી આવ્‍યો હતો અને તેના દાદા દાદી પ્‍યુઅર્ટો રિકોમાં સ્‍થળાંતર થયા હતા. પરિવાર પાછળથી ટોપેકા, કેન્‍સાસ અને પછી ટોવસન, મેરીલેન્‍ડમાં રહેતો હતો જયાં તેણીએ ૧૯૭૫ માં લોચ રેવેન હાઇસ્‍કૂલમાંથી સ્‍નાતક કર્યું હતું. ૧૯૭૯ માં તેણીએ વર્જિનિયા યુનિવર્સિટીમાંથી વિદેશી બાબતોમાં ડિગ્રી મેળવી અને ૧૯૮૮ માં તેણે જોન્‍સ હોપકિન્‍સ યુનિવર્સિટી સ્‍કૂલ ઓફ એડવાન્‍સ્‍ડ ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝમાં માસ્‍ટર ડિગ્રી પૂર્ણ કરી.

 મોન્‍ટેસના ભાઈ અને બહેન ટીટો અને લ્‍યુસી, ફેડરલ બ્‍યુરો ઓફ ઈન્‍વેસ્‍ટિગેશનના કર્મચારીઓ બન્‍યા હતા. ટીટો એફબીઆઈના વિશેષ એજન્‍ટ હતા અને લ્‍યુસી લાંબા સમયથી એફબીઆઈ ભાષાના વિશ્‍લેષક અને અનુવાદક હતા. તેની બહેને મોન્‍ટેસને ક્‍યુબન મોલ   તરીકે ઓળખવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. એના મોન્‍ટેસનો ભૂતપૂર્વ બોયફ્રેન્‍ડ રોજર કોર્નરેટો પેન્‍ટાગોન માટે ક્‍યુબામાં વિશેષતા ધરાવતા ગુપ્તચર અધિકારી હતો. યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ડિપાર્ટમેન્‍ટ આ'ફ જસ્‍ટિસ માટે કામ કર્યા પછી સપ્‍ટેમ્‍બર ૧૯૮૫માં મોન્‍ટેસ ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સી (DIA)માં જોડાયા. તેણીની પ્રથમ સોંપણી વોશિંગ્‍ટનમાં બોલિંગ એર ફોર્સ બેઝ પર હતી જયાં તેણીએ ગુપ્તચર સંશોધન નિષ્‍ણાત તરીકે કામ કર્યું હતું. ૧૯૯૨ માં મોન્‍ટેસની ડીઆઈએના અપવાદરૂપ વિશ્‍લેષક કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી અને બાદમાં ક્‍યુબાની સૈન્‍યનો અભ્‍યાસ કરવા ક્‍યુબા ગયા હતા. તેની ધરપકડ પહેલા તે ક્‍લેવલેન્‍ડ પાર્ક વોશિંગ્‍ટન ડીસીમાં રહેતા હતા.

મોન્‍ટેસ ડીઆઈએમાં રેન્‍ક દ્વારા ઝડપથી આગળ વધ્‍યા અને તેના સૌથી વરિષ્ઠ ક્‍યુબન વિશ્‍લેષક બન્‍યા. તેણીના સહકાર્યકરો તેણીને જવાબદાર અને ભરોસાપાત્ર માનતા હતા. એના મોન્‍ટેસ યુ.એસ. ગુપ્તચર સમુદાયની અંદર જ ક્‍યુબન માટે જાસૂસી કરી રહ્યા હતા. તે ડિફેન્‍સ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સી અથવા DIA સાથે વરિષ્ઠ વિશ્‍લેષક તરીકે અમેરિકાના અફઘાનિસ્‍તાન પરના આયોજિત આક્રમણ વિશેની વર્ગીકૃત માહિતીની પહોંચ ટૂંક સમયમાં જ મેળવવાની હતી. મોન્‍ટેસની કુશળતા માટે સમગ્ર યુ.એસ. ગુપ્તચર સમુદાયમાં જાણીતા હતા. બહુ ઓછા લોકોને ખબર હતી કે તેણી કેટલી નિષ્‍ણાત બની ગઈ છે અને તે કેટલી વર્ગીકૃત રીતે યુએસ લશ્‍કરી માહિતી લીક કરી રહી છે.

મોન્‍ટેસ ૧૯૮૦ ના દાયકામાં જોન્‍સ હોપકિન્‍સ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની વિદ્યાર્થી હતી ત્‍યારે ક્‍યુબાની ગુપ્તચર દ્વારા ભરતી કરવામાં આવી હતી. નિકારાગુઆમાં સેન્‍ડિનિસ્‍ટા નેશનલ લિબરેશન ફ્રન્‍ટ જેવી ડાબેરી લેટિન અમેરિકન ચળવળોના સમર્થનમાં તેણીના મજબૂત અભિપ્રાયો માટે તેણી અન્‍ય વિદ્યાર્થીઓમાં જાણીતી બની હતી. એક ક્‍યુબન એજન્‍ટે આખરે તેનો સંપર્ક કર્યો અને તેણીની ભરતી કર્યા પછી ક્‍યુબન ઇન્‍ટેલિજન્‍સ સર્વિસે તેણીને સંરક્ષણ ગુપ્તચર એજન્‍સીમાં નોકરી મેળવવા માટે તૈયાર કરી હતી. એના મોન્‍ટેસે પોતાની કામગીરી દરમિયાન એન્‍ક્રિપ્‍ટેડ સંદેશાઓ દ્વારા ક્‍યુબન ઇન્‍ટેલિજન્‍સ સર્વિસ સાથે વાતચીત કરી અને ક્‍યુબામાં શોર્ટવેવ એન્‍ક્રિપ્‍ટેડ ટ્રાન્‍સમિશન દ્વારા પોતાના ગુપ્ત સંદેશાઓ પહોંચાડ્‍યા હતા. વધુમાં, મોન્‍ટેસે કોલંબિયા અને મેરીલેન્‍ડ ડિસ્‍ટ્રિક્‍ટમાં સ્‍થિત જાહેર ટેલિફોન દ્વારા ક્‍યુબન ઇન્‍ટેલિજન્‍સ સર્વિસ સાથે કોડેડ (સાંકેતિક) ન્‍યુમેરિક પેજર સંદેશાઓ દ્વારા વાતચીત કરી સંકેતમાં ‘મને સંદેશ મળ્‍યો' અથવા ‘ખતરો' જેવી ભાષાનો ઉપયોગ કરી સંદેશા પહોંચાડ્‍યા હતા. એના મોન્‍ટેસ એટલી બધી ઇન્‍ટલીજન્‍ટ હતી કે, તપાસથી બચવા માટે તેણે ક્‍યારેય ઈલેક્‍ટ્રોનિક અથવા હાર્ડ કોપીમાં કોઈપણ દસ્‍તાવેજો રાખ્‍યા નહોતા. તેના બદલે તેણી વિગતો તેના મગજમાં યાદ રાખતી અને ઘરે જઈને તેને તેના લેપટોપ પર ટાઈપ કરી પછી માહિતીને એનક્રેપ્‍ટેડ ડિસ્‍ક પર સ્‍થાનાંતરિત કરતી. એ બાદ શોર્ટ-વેવ રેડિયો દ્વારા કોડમાં ક્‍યુબામાં રહેલા અધિકારીઓ તરફથી સૂચનાઓ પ્રાપ્ત કરી આગળ વધતી.

 એના મોન્‍ટેસનું પતન ૧૯૯૬ માં શરૂ થયું જયારે એક ચતુર DIA સાથીદારે તેની અંદરની વિગતો જાણી અમેરિકાના એક સુરક્ષા અધિકારીને જાણ કરી. તેને ખ્‍યાલ આવી ગયો હતો કે મોન્‍ટેસ એક ક્‍યુબન ગુપ્તચરના પ્રભાવ હેઠળ હોઈ શકે છે. અમેરિકન અધિકારીએ એના મોન્‍ટેસની મુલાકાત લીધી પરંતુ તેણીએ કંઈ સ્‍વીકાર્યું નહીં. સુરક્ષા અધિકારીએ ચાર વર્ષ પછી કેસ ફાઈલ કર્યો જયારે તેને ખબર પડી કે એફબીઆઈ વોશિંગ્‍ટનમાં કાર્યરત એક અજાણી ક્‍યુબન મહિલા એજન્‍ટ અમેરિકી ગુપ્તચરનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી છે. તથ્‍યોની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી એફબીઆઈએ તપાસ શરૂ કરી અને એના મોન્‍ટેસ ની ધરપકડ કરવામાં આવી.

તેણીની સામેની તપાસ દરમિયાન તે નક્કી કરવામાં આવ્‍યું હતું કે મોન્‍ટેસે ક્‍યુબામાં ચાર યુએસ જાસૂસોની ઓળખ સહિત ક્‍યુબાના ગુપ્તચર નિર્દેશાલયને અમેરિકાની નોંધપાત્ર પ્રમાણમાં વર્ગીકૃત માહિતી આપી હતી જેથી દેશ ખતરામાં આવી ગયો હતો. ૨૦૦૭ માં, અમેરિકન ડીઆઈએ કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સ અધિકારી સ્‍કોટ ડબલ્‍યુ. કાર્માઈકલે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે તે એના મોન્‍ટેસે જ ક્‍યુબાના ગુપ્તચર અધિકારીઓને અલ સાલ્‍વાડોરમાં એક ગુપ્ત યુએસ આર્મી કેમ્‍પ વિશે જણાવ્‍યું હતું. કાર્માઈકલે આક્ષેપ કર્યો હતો કે મોન્‍ટેસ સ્‍પેશિયલ ફોર્સીસ કેમ્‍પના અસ્‍તિત્‍વ વિશે જાણતી હતી. કાર્માઈકલે મોન્‍ટેસને DIA અને અન્‍ય યુએસ ગુપ્તચર એજન્‍સીઓને થયેલા નુકસાનને ‘અપવાદરૂપે ગંભીર' તરીકે દર્શાવ્‍યું હતું. અંતે ૨૧ સપ્‍ટેમ્‍બર, ૨૦૦૧ના રોજ ફેડરલ બ્‍યુરો આ'ફ ઇન્‍વેસ્‍ટિગેશન દ્વારા મોન્‍ટેસની ધરપકડ કરવામાં આવી હતી. પ્રોસિક્‍યુટર્સે જણાવ્‍યું હતું કે ઓક્‍ટોબર ૨૦૦૧માં અમેરિકી સૈન્‍યના અફઘાનિસ્‍તાન પરના આક્રમણ અંગેની વર્ગીકૃત માહિતી સંભવિત દુશ્‍મનો માટે ગોપનીય હતી અને તેઓ ઇચ્‍છતા ન હતા કે મોન્‍ટેસ આ માહિતી જાહેર કરે. ૨૦૦૨ માં, મોન્‍ટેસને દોષિત ઠરાવ્‍યા હતા અને તેને ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેણીના વકીલ પ્‍લેટો કેચેરીસે જણાવ્‍યું હતું કે મોન્‍ટેસે ક્‍યુબા માટે જાસૂસી કરી હતી કારણ કે ‘તેને લાગ્‍યું હતું કે યુએસ સરકાર દ્વારા ક્‍યુબાના લોકો સાથે અન્‍યાયી વર્તન કરવામાં આવ્‍યું છે.' મોન્‍ટેસને ટેક્‍સાસના ફોર્ટ વર્થમાં એફએમસી કાર્સવેલમાં કેદ કરવામાં આવ્‍યા હતા. એફએમસી કાર્સવેલને ફેડરલ બ્‍યુરો ઓફ પ્રિઝન દ્વારા નેવલ એર સ્‍ટેશન, જોઈન્‍ટ રિઝર્વ બેઝ, ફોર્ટ વર્થના ઉત્તરપૂર્વ ખૂણામાં સ્‍થિત સુવિધા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે જેસ્ત્રી અપરાધીઓને વિશેષ તબીબી અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ પૂરી પાડે છે. મોન્‍ટેસ એફએમસી રજિસ્‍ટર કેદી નંબર #25037-016 તરીકે સૂચિબદ્ધ હતી. તેણી ૬ જાન્‍યુઆરી, ૨૦૨૩ ના રોજ રિલીઝ થઈ હતી. મુક્‍ત કર્યા પછી હવે તેણીના ઇન્‍ટરનેટ વપરાશ સહિત પાંચ વર્ષ સુધી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. મોન્‍ટેસને ‘વિદેશી એજન્‍ટો' નો સંપર્ક કરવાની અથવા યુએસ સરકાર માટે ‘પરવાનગી વિના' કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે હાલમાં પ્‍યુઅર્ટો રિકોમાં રહે છે અને ક્‍યુબા સામે યુએસ પ્રતિબંધો વિરૂદ્ધ બોલવાનું તેણીએ ચાલુ રાખ્‍યું છે.

જાસૂસી માટે મોન્‍ટેસની પ્રેરણા શું હતી ?

પ્રશ્ન એ થાય કે જાસૂસી માટે મોન્‍ટેસની પ્રેરણા શું હતી? તો જવાબ છે શુદ્ધ વિચારધારા - તેણી યુએસની વિદેશ નીતિ સાથે અસહમત હતી. મોન્‍ટેસે અમુક ખર્ચ માટે વળતર સિવાય વર્ગીકૃત માહિતી પસાર કરવા માટે કોઈ પૈસા સ્‍વીકાર્યા નહોતા. મોન્‍ટેસ, જેમણે ક્‍યુબામાં કામ કરતા ચાર અમેરિકન અન્‍ડરકવર ઇન્‍ટેલિજન્‍સ અધિકારીઓની ઓળખ જાહેર કરી હોવાનું સ્‍વીકાર્યું હતું. તેને લાગ્‍યું હતું કે યુએસ સરકાર દ્વારા ક્‍યુબાના લોકો સાથે અન્‍યાયી વર્તન કરવામાં આવ્‍યું છે. એના એ અમેરિકાની સમગ્ર ગુપ્તચર કામગીરીને લગભગ સંપૂર્ણપણે ઉજાગર કરી દીધી હતી. એક અધિકારીએ કહ્યું કે તે ‘સૌથી વધુ નુકસાનકર્તા જાસૂસોમાંની મોન્‍ટેસ એક' હતી. એ સમયે રહેલ યુએસ પ્રમુખ જયોર્જ ડબ્‍લ્‍યુ. બુશના નેતૃત્‍વમાં કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સનાં વડા મિશેલ વેન ક્‍લેવે ૨૦૧૨માં કોંગ્રેસને જણાવ્‍યું હતું કે એના મોન્‍ટેસે ક્‍યુબા વિશે યુએસ જાણતું હતું અને તે ક્‍યુબામાં કેવી રીતે કામ કરી રહ્યું હતું તે બધું જ હેક કર્યું હતું. એનાની ધરપકડ પછી તેના પર ચાર અમેરિકન જાસૂસોની ઓળખ છતી કરવાનો અને વર્ગીકૃત માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. અમેરિકાએ મોન્‍ટેસને ૨૦૦૨ માં દોષી ઠેરવી હતી અને તેને ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને જજે તેના પર આખા દેશને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્‍યો હતો.

 

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(10:49 am IST)