રાજકોટ
News of Thursday, 25th November 2021

જોડીયા તારાણાના ખેડૂત વિપુલ પીઠમલનો આક્રોશઃ હત્યાની કોશિષના ગુનાના આરોપીઓને પોલીસ પકડતી જ નથી!

આરોપીઓ ગામમાં ખુલ્લેઆમ ફરે છે પણ પોલીસને દેખાતા નથીઃ જામનગર કોર્ટ પ્રાંગણમાં ધમકી અપાઇ તેમાં પણ અલગ ફરિયાદ નોંધાવી હતીઃ તેમાં પણ કોઇ કાર્યવાહી થઇ નથીઃ ગૃહમંત્રી સુધી રજૂઆતોઃ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી પોલીસની ઢીલી કામગીરીને વખોડી

રાજકોટ તા. ૨૫: જોડીયા તાબેના તારાણા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં વિપુલભાઇ લખમણભાઇ પીઠમલ (આહિર)એ એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો અને રજૂઆત કરી હતી કે પોતાના અને પોતાના મામા પર બે મહિના પહેલા ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાના ગુનામાં બે મહિના થઇ જવા છતાં પોલીસે આરોપીઓને પકડ્યા નથી. આ મામલે મોરબી પોલીસે ગુનો નોંધ્યો હતો. હાલમાં આરોપીઓ તારાણા ગામે છુટથી ફરી રહ્યા હોવાનો અને આમ છતાં પોલીસની નજરે નહિ ચડતાં હોવાનો આક્ષેપ તેણે કર્યો હતો.

વિપુલભાઇ પીઠમલએ રાજકોટમાં નાગર બોર્ડિંગ ખાતે યોજાયેલી પરિષદમાં પોતે મોરબી એસપીને કરેલી લેખિત રજૂઆતો, જામનગર જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાને કરેલી રજૂઆતો તેમજ બે ગુના દાખલ થયા તેની એફઆઇઆરની નકલો રજૂ કરવા સાથે જણાવ્યું હતું કે હત્યાની કોશિષ જેવા ગંભીર ગુનામાં પોલીસ આરોપીઓને કોઇપણ કારણોસર પકડતી નથી. આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ થયો હોવા છતાં એમ કહે છે કે ફાયરીંગ જ નહોતું થયું! વિપુલભાઇએ મોરબી એસપીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું અને પરિવાર સાથે રહુ છું.

તા. ૨૯/૯/૨૧ના રોજ હું અને મારા મામા હીરાભાઇ ભુરાભાઇ વાંક પીપળીયા ચાર રસ્તા પાસે ક્રિષ્ના હોટલ થઇ આમરણ રસ્તે જવા નીકળ્યા ત્યારે પાછળ કાળા રંગની ક્રેટા કાર આવી હતી. જેમાં અમારા ગામના સાધા ભલુભાઇ, હમીર મેપાભાઇ, કાના હમીરભાઇ, ભલુ મોહનભાઇ, ફડસરના ભરત બચુભાઇ કુંભારવાડીયા સહિતના હતાં. જેમાં સાધા ભલુભાઇ નાટડાએ તેની પાસેના લાયસન્સવાળા જોટામાંથી મને તથા મારા મામાને મારી નાંખવાના ઇરાદે ડ્રાઇવર સાઇડ ફાયરીંગ કરતાં ગોળી ડ્રાઇવર સાઇડના કાચમાં હોલ કરી સામેના દરવાજા નીચેથી નીકળી ગઇ હતી. અમને બેમાંથી કોઇને ઇજા થઇ નહોતી. ત્યારબાદ બીજા પણ ત્રણચાર ફાયરીંગ કર્યા હતાં. પણ અમારી ગાડીની સ્પીડ ફુલ હોઇ જેથી ગોળી લાગી નહોતી. એ પછી અમે ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. મોરબી પોલીસે આ બનાવમાં આઇપીસી ૩૦૭, ૧૪૩, ૧૪૯, ૪૨૭, આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી), એ-૩૦ તથા ૧૩૫ મુજબ ફાયરીંગ કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

વિપુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે મારા કાકા મેપાભાઇ માંડણભાઇને આરોપી સાધા નાટડા સાથે જીઇબીના થાંભલા ખેતરમાં નાખવા મામલે અમારા તારાણા ગામમાં બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી મારા અને મારા મામા પર ફાયરીંગ કરાયા હતાં. આ ઘટનામાં ગુનો દાખલ થયાના બે મહિના પછી પણ પોલીસે કોઇ આરોપીને પકડ્યા નથી. આરોપીઓ ગામમાં ખુલેઆમ ફરે છે. એ પૈકી ભલુ મોહન અમારી શેરીમાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ આપવા છતાં પોલીસે ધરપકડ કરી નથી. આ આરોપીઓ ફરીથી મારા કે મારા પરિવારજન પર હુમલો કરે તેવો સતત ભય લાગે છે.

આ ઉપરાંત અગાઉના કેસમાં જામનગર કોર્ટમાં મુદ્દતે જતાં ત્યાં પણ મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પણ ગુનો દાખલ કરાવ્યો હોવા છતાં આ ગુનામાં પણ આરોપી પકડાયા નથી. તેવો આક્ષેપ વિપુલભાઇએ કર્યો છે.

વિપુલભાઇએ અગાઉ જામનગર જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસ વડાને પણ રજૂઆતો કરી જણાવ્યું હતું કે  સાધા ભલુ નાટડા અમારા તારાણા ગામના ભુતપુર્વ સરપંચ છે. ચૂંટણીમાં મહિલા અનામત વખતે રામીબેન સાધાભાઇ નાટડા ઉભા હતાં. પણ સામેના ઉમેદવાર શાંતાબા જીતી ગયા હતાં. આ કારણે પણ સાધા ભલુ અને તેનો પરિવાર કાળઝાળ થઇને ગામમાં ફરે છે અને તેના કારણે હથીયારો સાથે હુમલો કરતાં આ અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

તેમણે અંતમાં કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી હું લડતો રહીશ. મેં અત્યાર સુધીમાં ગૃહમંત્રીશ્રી, રાજકોટ આઇજી, પોલીસ મહાનિર્દેશક તેમજ રેન્જ આઇજીને રજૂઆતો કરી છે. તસ્વીરમાં વિગતો જણાવી રહેલા વિપુલભાઇ પીઠમલ અને સાથે કુટુંબીજનો જોઇ શકાય છે.

(2:51 pm IST)