રાજકોટ
News of Thursday, 25th November 2021

'ભાડુ કરવુ નથી, બીજી રીક્ષા ભાડે કરી લ્યો' કહેતા નુરમહંમદભાઇને મહેબુબે માર મારી રિક્ષાનો કાચ ફોડયો

સદરબજાર ખાટકીવાસ પાસે બનાવ : મહેબુબ કટારીયા સામે ગુનો : રીક્ષા ચાલક સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬ : સદરબજાર ખાટકીવાસ પાસે રીક્ષાના ભાડા બાબતે પ્રૌઢ પર એક શખ્સે લાકડી વડે માર મારી રીક્ષાનો કાચ ફોડી નાખતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભીલવાસ શેરી નં. ૨માં રહેતા નુરમહંમદભાઇ અબુભાઇ લાખા (ઉ.વ.૫૫)એ પ્ર.નગર પોલીસ મથકમાં સદરબજાર ખાટકીવાસ અને હનુમાનમઢી પાસે રહેતો મહેબુબ જમાલભાઇ કટારીયા સામે ફરિયાદ નોંધાવી છે. નુરમહંમદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે રીક્ષા ચલાવે છે. ગઇકાલે પોતે રીક્ષા લઇને સદરબજાર ખાટકીવાસમાં કતલખાનાની સામે હતા ત્યારે મહેબુબ જમાલભાઇ કટારીયા પોતાની પાસે આવીને કહેલ કે તમારે મને અને પત્નીને હનુમાનમઢી પાસે જવું છે. મુકી જાવ તેમ કહેતા પોતે કહેલ કે 'તમારૂ ભાડુ કરવું નથી, તમે ભાડાના પૈસા આપતા નથી તેથી મને મફતમાં આવવું પોસાય તેમ નથી, તમે બીજી રીક્ષા ભાડે કરી લ્યો' તેમ કહેતા સારૂ ન લાગતા મહેબુબે ગાળો આપી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મોઢાના ભાગે ઇજા કરી હતી અને લાકડી વડે રીક્ષાનો આગળનો કાચ ફોડી નાખ્યો હતો અને પોતાને છરી લઇને મારવા માટે દોડતા પોતે ત્યાંથી દોઢીને પોતાના ઘરમાં જતા રહ્યા હતા. બાદ ભત્રીજા નાસીરભાઇએ પોતાને બીજી રીક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે તપાસ હાથ ધરી છે.

(2:41 pm IST)