રાજકોટ
News of Wednesday, 25th November 2020

માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પાયર બિલ્ડીંગના ૧૨મા માળેથી ૨૧ વર્ષના યુવાનની મોતથી છલાંગ

રૈયા રોડ તિરૂપતી નગરમાં રહેતો ભાવિક ભાતેલીયા બિમારીની દવા લેવા બિલ્ડીંગમાં ૧૩ માળે આવ્યો હતોઃ એ પછી ૧૨મા માળની ગેલેરીમાંથી પડતુ મુકયું: સીસીટીવી ફૂટેજ વહેતા થયા

તસ્વીરમાં ભાવિક બારમા માળની ગેલેરીમાં જાય છે અને બાદમાં ઉંધો ઉભો રહી પડતું મુકે છે તે દ્રશ્ય અને તે નીચે પટકાયો તે દ્રશ્યો તેમજ તેનો નિષ્પ્રાણ દેહ, શોકમય માતા, પોલીસ અને એમ્બ્યુલન્સ સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫: માધાપર ચોકડીથી શિતલ પાર્કની વચ્ચેના રસ્તા પર આવેલા  બિલ્ડીંગમાં દવા લેવા માટે આવેલા રૈયા રોડ પર તિરૂપતિ નગરમાં રહેતાં યુવાને બારમા માળેથી પડતું મુકી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાને બારમા માળેથી કઇ રીતે પડતું મુકયું તેના અરેરાટી ઉપજાવતાં સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયા છે.

જાણવા મળ્યા મુજબ માધાપર ચોકડી નજીક આવેલા ધ સ્પાયર નામના બિલ્ડીંગમાંથી એક યુવાને પડતું મુકયાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટીએ તપાસ કરતાં યુવાન મૃત્યુ પામ્યાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી. બનાવની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ક્રિપાલસિંહ અને મદદનીશ પ્રકાશભાઇ સહિતનો સ્ટાફ તપાસાર્થે પહોંચ્યો હતો.

પોલીસે તપાસ કરતાં મૃત્યુ પામનાર રૈયા રોડ પર તિરૂપતિ નગરમાં રહેતો ભાવિક ગિરીશભાઇ ભાતેલીયા (ઉ.વ.૨૧) હોવાનું જાણવા મળ્યું હતું. તેના પિતા જામનગર ગયા હોઇ માતાને ઘટના સ્થળે પોલીસે બોલાવી પુછતાછ કરતાં એવી પ્રાથમિક માહિતી બહાર આવી હતી કે ભાવિકને માનસિક તકલીફ હોઇ તેની દવા ચાલુ હતી. આ દેવા ધ સ્પાયર બિલ્ડીંગના તેરમા માળે આવેલા ડોકટરના કિલનીકમાંથી તે લેતો હતો. થોડો સમય દવા બંધ કરી દીધી હતી અને આજે ફરીથી દવા લેવા તે ઘરેથી બાઇક લઇને અહિ આવ્યો હતો. તે બે ભાઇમાં મોટો હતો.

તેરમા માળેથી બારમા માળની ગેલેરીમાં આવી ત્યાંથી ઉંધા ઉભા રહી પડતું મુકયું હતું. ભાવિક કઇ રીતે ગેલેરીમાં જાય છે અને પછી કઇ રીતે પટકાય છે તેના ફૂટેજ સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આપઘાતનું બીજુ કોઇ કારણ તો નથી ને? તેની પણ તપાસ થઇ રહી છે.

(3:35 pm IST)