રાજકોટ
News of Wednesday, 25th November 2020

લોહાણા મહાપરીષદના નવા પ્રમુખની વરણી ગેરબંધારણીય ? ચેરીટી કમિશ્નરમાં કેવિએટ દાખલ

મૂળ ભાવનગરના અને હાલ બરોડા ખાતે રહેતા જીતેન્દ્રભાઇ ચંદારાણાએ નવા પ્રમુખ સતીષભાઇ વિઠ્ઠલાણી સહિતના અન્ય હોદ્દેદારોના નામો ફેરફાર રીપોર્ટમાં ઉમેરતા પહેલા મુંબઇ ચેરીટી કમિશ્નર પોતાને સાંભળે તેવી રજુઆત કરી : નવા પ્રમુખની નિમણુંક કરનાર વરણી સમિતિ મહાપરીષદના નવા બંધારણ પહેલાની છે, જેથી તેને પ્રમુખની વરણી કરવાનો હક્ક નથી ?

રાજકોટ તા. રપ : સમગ્ર વિશ્વના રઘુવંશીઓની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરીષદમાં પુષ્કળ વિવાદોના અંતે તાજેતરમાં મહાપરીષદની વરણી સમિતિ દ્વારા ઓનલાઇન ઝુમ મિટીંગના પ્લેટફોર્મ ઉપર સર્વાનુમતે ર૦ર૦ થી ર૦રપ ની ટર્મ માટેના પ્રમુખપદે સતીષભાઇ વિઠ્ઠલાણીના નામની ભલામણ કરવામાં આવી છે. હવે આ નામને મધ્યસ્થ મહાસમિતિમાં બહાલીરૂપે મુકવામાં  આવશે.

દરમ્યાન મૂળ ભાવનગરના અને હાલ બરોડા ખાતે રહેતા લોહાણા અગ્રણી જીતેન્દ્રભાઇ રમણિકલાલ ચંદારાણાએ આસીસ્ટન્ટ ચેરીટી કમિશ્નરની શ્રીગ્રેટર મુંબઇ ખાતેની કચેરીમાં એફીડેવીટરૂપે લોહાણા મહાપરીષદની વિરૂદ્ધમાં કેવીએટ દાખલ કરી હોવાનું જાણવા મળે છે.

કેવીએટ એપ્લીકેશનમાં જણાવ્યા મુજબ લોહાણા મહાપરીષદ ટ્રસ્ટ, મુખ્ય ઓફીસ ૧૦ ખેતવાડી, મુંબઇ તથા સબ ઓફીસ ઇસ્કોન મેગામોલ બેઝમેન્ટ, અમદાવાદ દ્વારા મહાપરીષદના નવા ટ્રસ્ટીઓ, પ્રમુખ, મિલ્કતોમાં ફરેબદલ-સુધારા વિગેરે સંદર્ભે કોઇપણ રજુઆત આવે તો તે બાબતની નોંધ ફેરફાર રીપોર્ટમાં ભરતા પહેલા કેવીએટ દાખલ કરનાર (અરજદાર) જીતેન્દ્રભાઇ રમણિકલાલ ચંદારાણાને સાંભળવામાં આવે.

કેવીએટર જીતેન્દ્રભાઇ (જીતુભાઇ) ચંદારાણાએ આજરોજ અકિલાને જણાવ્યું હતું કે જે વરણી સમિતિના સભ્યોએ મહાપરીષદના નવા પ્રમુખના નામની સર્વાનુમતે ભલામણ કરી છે તે વરણી સમિતિ મહાપરીષદનું નવું બંધારણ અમલમાં આવ્યું તે પહેલા બનેલી છે. નવા બંધારણના અમલ પછી કોઇપણ જાતની નવી વરણી સમિતિ બની જ નથી. જેથી વરણી સમિતિ દ્વારા કરાયેલ નવા પ્રમુખ સતીષભાઇ વિઠ્ઠલાણીની ભલામણ ગેરબંધારણીય ઠરી શકે છે. મહાપરીષદના નવા બંધારણની તારીખ ર૯/૧૧/ર૦૧૯ છે અને પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન ઓફીસ દ્વારા તારીખ ૬/૧ર/ર૦૧૯ ના રોજ સર્ટીફાઇડ થયેલ હોવાનું જાણવા મળે છે.

(3:26 pm IST)