રાજકોટ
News of Wednesday, 25th November 2020

જેટકો ર૦ર૦-ર૧ માં ર૪૦ કરોડના ખર્ચે ૬૦-૬૬ કેવી સબ સ્ટેશન ઉભા કરશે

આ ઉપરાંત વાંકાનેરમાં રર૦ કેવી તો કાલાવડમાં ૪૦૦ કેવી સબ સ્ટેશન ઉભા કરશે જામનગર-ભોગાતમાં પણ ૪૦ કેવી સબ સ્ટેશન : મેટોડામાં રર૦ કેવી નવુ સબ સ્ટેશન સહિત રાજકોટ શહેર-જીલ્લા માટે પ નવા ૬૬ કેવી સબ સ્ટેશન માટે જમીન સહિતની કામગીરી શરૂ કરતું જેટકો : લક્ષ્મીનગર સબ સ્ટેશન હાલ હાઉસફુલ જો કે નવી લાઇનો નખાઇ છેઃ વાણીયાવાડી સબ સ્ટેશનનો પ્રશ્ન કોર્પોરેશન પાસે અટકયો છે ખેડૂતોને દિવસે પાવર અંગે નવી લાઇનો નાખવાનું શરૂ

રાજકોટ તા. રપ :.. વીજ બોર્ડની કંપની જેટકોના રાજકોટમાં બેસતા ટોચના અધિકારી સુત્રોએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ર૦ર૦-ર૧ ના વર્ષમાં જેટકો રાજકોટ સહિત ૬ સર્કલ એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે રપ૦ કરોડના ખર્ચે ૬૦ જેટલા ૬૬ કે. વી. સબ સ્ટેશન ઉભા કરવા જઇ રહ્યું છે, અને કારણે વોલ્ટેજનો પ્રશ્ન હલ થશે. સિસ્ટમમાં ફાયદો થશે, ફીડરની લંબાઇ ટૂકી થશે, વીજ ઇન્ટરએપ્શન પણ ઘટી જશે.

તેમણે જણાવેલ કે રાજકોટ શહેર - જીલ્લામાં પ ઉપરાંત મેટોડામાં રર૦ કે.વી.નું સબ સ્ટેશન ઉભુ કરાશે, રાજકોટના પ સબ સ્ટેશન અંગે જમીન માગણી - સંપાદન સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત વાંકાનેરમાં રર૦ કે.વી. તો કાલાવડમાં જામનગર ક્ષેત્રનો ૪૦૦ કેવી અને જામનગરન ભોગાતમાં ૪૦૦ કેવીનું સબ સ્ટેશન પણ પાઇપ લાઇનમાં છે.

અધિકારી સુત્રોએ જણાવેલ કે કુલ ૬૦-૬૬  કેવી સબ સ્ટેશનમાં ગોંડલ - અમરેલી - જામનગર - સુરેન્દ્રનગર-જુનાગઢ - અંજાર સર્કલનો સમાવેશ કરાયો છે.

રાજકોટનું લક્ષ્મીનગર ૬૬ કેવી સબ સ્ટેશન હાઉસફુલ થઇ ગયું તે અંગે સુત્રોએ જણાવેલ કે હાલ વાંધો નથી, નવી લાઇનો નાંખી દિધી છે, એટલે કેપેસીટીનો છે. આ ઉપરાંત વિક્રમ-૧૩ર કે.વી. સબ સ્ટેશનની પણ કેપેસીટી વધારાઇ છે.

રાજકોટના વાણીયાવાડીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશન ઉભુ કરવા અંગે સુત્રોએ જણાવેલ કે કોર્પોરેશન સાથે વાટાઘાટો ચાલે છે, જમીનનો ભાવ ૧ લાખ રૂપિયા ચોરસ મીટરના આંકયા હોય, તે બાબતે અટકયું છે, જમીન જ ૭૦ કરોડની થાય તો સબ સ્ટેશન સોના કરતા ઘડામણ મોંઘું, એમાં પડે એટલે અટકયું છે.

આ ઉપરાંત જેટકો દ્વારા રાજકોટ જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતોને દિવસે સવારે પ થી ૧ અને ૧ થી ૯ સુધીનો પાવર આપવાની યોજના સંદર્ભે ખેતીવાડી માટે વીજ પાવર આપવા સંદર્ભે નવી મોટી લાઇનો નાખવાની કામગીરી શરૂ કરી દેવાયાનું પણ સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:25 pm IST)