રાજકોટ
News of Wednesday, 25th November 2020

કોઠારિયા ગામમાં બે વૃદ્ધ બહેનોનો પ્લોટ પડાવવા કારસોઃ પોલીસ કમિશનરને ફરિયાદ

પ્લોટ ખાલી કરવા માટે ચાર લાખની માગણી કરનારા હબીબ ઠેબા તેની પત્ની મરીયમ ઉર્ફે મીલુ સહિત પાંચ સામે આક્ષેપ

રાજકોટ, તા. ૨૫ :. કોઠારિયા ગામમાં બે વૃદ્ધ બહેનોને પ્લોટ પચાવી પાડવાના ઈરાદે કોઠારિયા સોલવન્ટના દંપતિ સહિત સાત શખ્સો ચાર લાખની માંગણી કરી ધાકધમકી આપતા હોવાની પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ થઈ છે.

યાજ્ઞિક રોડ ઈમ્પીરીયલ હોટલ સામે રહેતા હાજરાબેન ઈસ્માઈલભાઈ શમા (ઉ.વ. ૭૦) અને રૈયા રોડ નહેરૂનગર શેરી નં. ૫માં રહેતા જેનબબેન ઈબ્રાહીમભાઈ શમા (ઉ.વ. ૭૫) એ પોલીસ કમિશનરને કરેલી લેખીત અરજીમાં ગોંડલ રોડ કોઠારિયા સોલવન્ટમાં રહેતા હબીબ હુસેનભાઈ ઠેબા તેની પત્ની મરીયમ ઉર્ફે મીલુ ઠેબા તથા પાંચ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. બન્ને બહેનોએ અરજીમાં જણાવ્યુ છે કે બન્નેએ પોતાની બચત કરેલ મુડીમાંથી સંયુકત નામે કોઠારિયા ગામમાં મોહનભાઈ દેવરાજભાઈ મારૂ પાસેથી ૬૫૯ ચો.વારનો પ્લોટ લીધો હતો. પોતે તથા સંતાનો અવારનવાર પ્લોટ પર આટો મારવા જતા હતા. થોડા દિવસ પહેલા પ્લોટ ફરતે ફેન્સીંગ કરવાની હોવાથી બન્ને બહેનો પોતાના પ્લોટ પર ગયા ત્યારે ત્યાં હબીબ ઠેબા તેની પત્ની મરીયમ ઠેબા અને તેની સાથે પાંચ અજાણ્યા શખ્સો આવ્યા અને કહેલ કે 'આ પ્લોટમાં કાંઈ ફેન્સીંગ કરતા નહી કે કોઈ કામ કરતા નહીં' તેમ કહેતા બન્નેએ કહેલ કે 'આ પ્લોટ અમારી માલિકીનો છે. જો તમારી માલિકીનો હોય તો કાગળ બતાવો' તેમ કહેતા આ હબીબ ઠેબા સહિતના લોકોએ ઉશ્કેરાઈને ગાળો આપી મારકુટ કરવા લાગ્યા હતા અને પોતાને કહેલ કે 'જો તમારે આ પ્લોટમાં ફેન્સીંગ કરવી હોય તો ચાર લાખ આપવા પડશે, નહીંતર તમે અહીં ઈંટ પણ રાખી નહી શકો અને તમારો પ્લોટ પણ ખાઈ જશું. જો અહીંયા ફરીથી આવ્યા છો તો જાનથી મારી નાખીશું' તેમ ધમકી આપી હતી. બાદ જેનબબેનના પુત્ર હનીફભાઈ શમા તેને સમજાવવા જતા તે માનેલ નહી અને કહેલ કે 'તમોએ એમ સમજવાનુ કે રૂ. ૪ લાખ વધુ પ્લોટના આપેલ' મને તો ચાર લાખ આપવા પડશે. આમ યેનકેન પ્રકારે પૈસા પડાવવાની કોશીષ કરી હતી અને કહેલ કે 'અમો કોઈનાથી બીતા નથી, તમારા પ્લોટમાં કામ કરવુ હોય તો મારા ઘરે રૂપિયા આપી જાવ' તેમ કહી ધમકી આપી હોવાનું જણાવ્યુ છે. આ અંગે બન્ને બહેનોએ ન્યાય મેળવવા પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરી છે.

(2:36 pm IST)