રાજકોટ
News of Wednesday, 25th November 2020

આજે દેવદિવાળી : ઘેર ઘેર તુલસી વિવાહનો ઉમંગ

ઠાકોરજી-તુલસીજીના વિવાહનો પ્રતિકાત્મક પ્રસંગ : દેવસ્થાનો દ્વારા ઓનલાઇન દર્શનની વ્યવસ્થા : કોરોનાના કારણે ઘર જ મંદિર બન્યા

શેરડીની બજાર ધમધમી : આજે દેવ દિવાળી હોય રાજકોટની બજારોમાં ઢગલા મોઢે શેરડી વેંચાણમાં મુકાઇ હતી. માર્ગો ઉપર તેમજ શેરી ગલીઓમાં શેરડીની રેકડીવાળાઓ ફરી વળ્યા હતા. એક સાઠાનો ભાવ રૂ. ૧૦ થી માંડીને રૂ. ૩૦ સુધીનો વસુલાયો હતો. તુલસી વિવાહના પ્રસંગને વધાવવા તુલસી કયારા પાસે શેરડીનો સાઠો પધરાવવાની પ્રથા આપણે ત્યાં હજુએ પળાતી આવી છે. દેવદિવાળીના શુકનરૂપ શેરડીની હોંશે હોંશે ખરીદી કરતા લોકો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫ : આજે કારતક સુદ એકદશી. જે દેવ ઉઠી એકાદશીથી ઓળખાય છે. આપણે ત્યાં આ પાવનકારી દિવસની દેવ દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજે દેવ દિવાળી હોય લોકોમાં અનેરા ઉમંગની હેલી છવાઇ છે. હાલ કોરોના સંક્રમણની ભીતિ હોય ખુબ સાદગીપૂર્વક અને પ્રતિકાત્મક ઉજવણીના આયોજનો થયા છે. દેવસ્થાનોમાં મર્યાદીત લોકોની ઉપસ્થિતીમાં થનાર દેવ વિવાહ તેમજ દર્શન લોકો ઓનલાઇન માણી શકે તેવી વ્યવસ્થાઓ થઇ છે. ઘરે ઘરે પણ આજે તુલસીકયારે શેરડી પધરાવી દેવ દિવાળી નિમિતે પૂજા અર્ચના કરાશે.

દેવ દિવાળી એટલે દેવોના વિવાહનો અવસર ગણવામાં આવે છે. આમ જુઓતો નવા શરૂ થયેલ વિક્રમ સંવતનો આ પ્રથમ ઉત્સવ ગણાય. આમેય દેવોના વિવાહ કરીને લોકો પોતાના સંતાનોના લગ્ન પ્રસંગના આયોજનો કરતા હોય છે.

ત્યારે આજે ઠાકરો અને તુલસીજીના લગ્નનો અવસર ઉજવવા ભાવિકો દ્વારા અનેરો ઉત્સાહ છવાયો છે. સાદગીરૂપે થનાર તુલસી વિવાહના પ્રસંગોમાં શાલીગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્નનો મંગલ અવસર ઉજવાશે.

આજે દેવ દિવાળી હોય ફટાકડાની બજારોમાં ફરી એક દિવસીય રોનક આવી જશે. આજે રાત્રે ફરી આકાશમાં આતશબાજી જોવા મળશે.

શેરડીની બજાર પણ આજથી ધમધમતી થઇ જશે. શેરડી બજારમાં સીઝનની શરૂઆત આજના શુકન સાચવીને થતી હોય તેમ બજારોમાં ઠેરઠેર શેરડીના ગંજ ખડાકાયેલા જોવા મળી રહ્યા છે.

આમ કોરોનાના કારણે બદલાયેલ પરિસ્થિતીને અનુસરીને આ વર્ષે સાદગી પૂર્ણ છતા ગરીમા પૂર્ણ તુલસી વિવાહનો લ્હાવો લેવાઇ રહ્યો છે.

(2:34 pm IST)