રાજકોટ
News of Monday, 25th October 2021

અનોખા લગ્ન સંસ્કાર વિધિનું સાક્ષી બનવા જઇ રહેલું રાજકોટ નારી સંરક્ષણ ગૃહ

નારી સંરક્ષણ ગૃહ તથા લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહની ૩ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

રાજકોટ :ભારતીય સંસ્કૃતિમાં ૧૬ પ્રકારના સંસ્કારવિધી થાય છે. લગ્ન એ આ પૈકીની એક અગત્યની સંસ્કાર વિધી છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મીક વિધી ઉપરાંત અનોખો ઓચ્છવ છે. પરંતુ આગામી તા. ૨૯ ઓકાટોબરના રોજ રાજકોટ સ્થિત નારીસંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બનવા જઇ રહયું છે. સમગ્ર સંસ્થામાં ૩ કન્યાઓના લગ્નના અનેરા અવસરે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વાત છે, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે તા. ૨૯ ઓક્ટોબરના રોજ યોજનાર ત્રણ  દિકરીઓના લગ્ન , લગ્ન સંસ્કાર વિધી મુજબ મંડપ રોપાશે, મહેંદી મુકાશે, પીઠી ચોળાશે, શરણાઈઓ વાગશે અને ઢોલ પણ ઢબુકશે, કન્યાદાન થશે, હસ્ત મેળાપની વિધી થશે, મંગલફેરા લેવાશે પંડિત-જી સપ્તપદીના સાત વચનો સમજાવશે. સાથે-સાથે એક યુગલ માટે આ તમામ વિધીમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેન્ગવેજનો ઉપયોગ કરાશે.
 રાજ્ય સરકારના સમાજસુરક્ષા ખાતા દ્વારા આ દંપતિને વિકલાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત વ્યક્તિ દિઠ ૫૦ હજાર એમ થઈને કુલ ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અન્વયે તથા વહિવટી તંત્રના સહયોગથી આ લગ્નની તૈયારી માટે જિલ્લા બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, નારી સંરક્ષણ ગૃહના મેનેજર ગીતાબેન ચાવડા, મહિલા શક્તિ કેન્દ્રના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર જેવીના પટેલ, તથા સ્ટાફ મેમ્બરો અનેરા ઉત્સાહ સાથે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(7:55 pm IST)