રાજકોટ
News of Monday, 25th October 2021

૧૭ વર્ષની સગીરાએ ફિનાઇલ પીધું: ડ્રગ્સ પેડલર મહિલા સહિતના હેરાન કરતાં હોવાની સ્ટોરીમાં કેટલું તથ્ય?

અગાઉ ઘંટેશ્વર પાસે રહેતાં ત્યારે બ્યુટી પાર્લરમાં આવેલી મહિલાએ પોતાની પાસે પડીકાની હેરાફેરી કરવ્યાનું અને ગત રાતે અગિયાર વાગ્યે એ મહિલાનો પાર્ટનર છોકરો ઘરમાં આવી ધમકી આપી ગયાનું રટણ કરતાં પોલીસે તપાસ આદરી : રાતે સગીરાના માતા-પિતા ઘરે નહોતાં: દાદી સાથે એકલી હતીઃ એ વખતે અજાણ્યો છોકરો ઘરમાં આવ્યો...એ કોણ? તેની પણ તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરમાં કેટલાક દિવસથી ડ્રગ્સ, ડ્રગ્સના પેડલર, બંધાણીઓ ચર્ચાના ચગડોળી ચડ્યા છે. ત્યારે શહેરના યુનિવર્સિટ રોડ પર ભગતસિંહજી ગાર્ડન વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની એક સગીરાએ વહેલી સવારે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણીએ પોતાને ડ્રગ્સ પેડલર મહિલા અને તેનો પાર્ટનર હેરાન કરતાં હોવાની સ્ટોરી જણાવતાં ચર્ચા જાગી હતી. તેની આ વાતમાં કેટલુ તથ્ય છે તેની તપાસ થઇ રહી છે. રાતે અગિયાર વાગ્યે ડ્રગ પેડલર મહિલાનો ભાગીદાર એવો એક છોકરો ઘરમાં આવી ધમકાવી ગયાનું અને એ કારણે પોતે આ પગલુ ભર્યાનું પણ તેણે રટણ કર્યુ હતુ઼.

સત્તર વર્ષની સગીરા સવારે પાંચેક વાગ્યે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમીન પટેલે યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. એક ભાઇથી મોટી સગીરાનો પરિવાર અગાઉ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો અને અને ત્યાં તેણી બ્યુટી પાર્લર ચલાવતી હતી. બે મહિનાથી તેણી પરિવાર સાથે હાલના સ્થળે ભાડેથી રહેવા આવી છે.

શા માટે ફિનાઇલ પીધું? તે અંગેની પૃચ્છા થતાં સગીરાએ જણાવ્યું હતું કે-અમે અગાઉ જ્યાં રહેતાં ત્યાં હું બ્યુટી પાર્લરમાં બેસતી ત્યારે એક મહિલા આવી હતી. તેણે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી હતી અને તેના પર્સમાંથી વસ્તુ કાઢવા મને કહેતાં મેં અંદરથી એક પડીકા જેવું કાઢતાં એ વખતે જ એણે મારો ફોટો પાડી લીધો હતો. એ પછી એ મહિલાએ કહેલું કે હું તને જે પડીકા આપું તે તારે તારા પાર્લરમાં મારા કહેવાથી જે લોકો આવે તેને આપી દેવાના રહેશે. જો તું આવું નહિ કર તો તારો ફોટો મેં પાડી લીધો છે, એ પડીકામાં ડ્રગ્સ છે અને તું પણ હેરાફેરી કરે છે તેવું હું કહી દઇશ. આવી ધમકી આપ્યા પછી અવાર નવાર તે પડીકા આપી જતી હતી અને અજાણ્યા લોકો આવીને લઇ જતાં હતાં. તેમાં ડ્રગ્સ હોવાનું મને લાગતું હતું.

હાલમાં બે મહિનાથી અમે નવા સરનામે રહેવા આવી ગયા છીએ. ગત રાતે મારા માતા-પિતા બહાર હતાં. હું અને દાદી એકલા ઘરે હતાં. એ વખતે રાત્રીના અગિયારેક વાગ્યે એક છોકરો મારા ઘરમાં ઘુસી ગયો હતો. તે ડ્રગ પેડલર મહિલાનો પાર્ટનર હતો. તેણે મને પાર્સલ પાછળના ભાગે પહોંચાડી દેવા કહેતાં મેં ના પાડતાં તેણે ધમકી દીધી હતી અને દાદીમા જાગી જતાં તે ભાગી ગયો હતો. તેની ધમકીને કારણે હું ગભરાઇ ગઇ હતી અને આખી રાત મુંજવણમાં રહ્યા બાદ સવારે ફિનાઇલ પી લીધી હતી.

સગીરાની આ કથનીમાં કેટલું તથ્ય છે? ખરેખર ડ્રગ પેડલર મહિલા કોઇ છે કે કેમ? શા માટે તેણીને હેરાન કરે છે? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તો રાત્રે અગિયાર વાગ્યે ઘરમાં આવેલો છોકરો કે યુવાન કોણ? એ મુદ્ે પણ તપાસ થઇ રહી છે. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી હેડકોન્સ. ભગીરથસિંહ વધુ તપાસ કરી રહ્યા છે. સગીરાને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પોલીસ તેનું વિશેષ નિવેદન નોંધી વિગતો મેળવશે.

(11:02 am IST)