રાજકોટ
News of Saturday, 25th September 2021

રાજકોટના બેડલા ગામે તપાસમાં ગયેલા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને દેવીપૂજકોના ટોળાએ ઘેરી લઈ હુમલો કર્યો: સર્વિસ રિવોલ્વર આંચકી લેવાઈ: ત્રણેયને સારવાર અપાઈ

રાજકોટ: શહેરના એરપોર્ટ પોલીસ મથક હેઠળ આવેલા કુવાડવા નજીકના બેડલા ગામે તપાસ કરવા અને દેશી દારૂનો અંગે કાર્યવાહી કરવા ગયેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ પર દેવીપૂજક શખ્સોન ટોળાએ હુમલો કરી ઘેરી લઈ માર મારતા ત્રણેયને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આરોપીઓને ઝડપી લેવા દોડધામ થઈ રહી છે.

જાણવા મળ્યા મુજબ પીએસઆઇ વી.સી. પરમાર, કોન્સ. ઇરશાદ જન્નર અને જયેશભાઇ સોહલા બેડલા ગામે દારૂના ધંધાર્થીઓ સક્રિય થયાની માહિતી પરથી તપાસ કરવા અને દરોડો પાડવા ગયા હતા. ત્યારે ત્રણેયને દેવીપુજક શખસોના સાતથી આઠના ટોળાએ ઘેરી લઈ હુમલો કરી મારકુટ કરી હતી. લોકો ભેગા થઈ જતા ટોળું ભાગી ગયુ હતું. એક રિવોલ્વર પણ ટોળામાંથી કોઈ આંચકી ગયાનું કહેવાય છે.

ઘાયલ પીએસઆઇ વી.સી. પરમાર અને કોન્સ. ઇરશાદભાઈને કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં અને જયેશભાઈને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. પીઆઇ જી.એમ. હડિયા અને ટીમોએ આરોપીઓને શોધી કાઢવા દોડધામ આદરી છે.

જાણવા મળ્યા મુજબ એરપોર્ટ પોલીસની ટીમેં ભાડલા પોલીસની પણ મદદ લીધી હતી. ભાડલા પોલીસને પણ જૂનો આરોપી પકડવાનો હતો. બેડલા ગામે એક વાડીમાં તપાસ વખતે જ ભાડલાના ગુનાનો આરોપી નીકળતા તે પોલીસને જોઈ ભાગતા તેનો પીછો કરાયો હતો. એ દરમિયાન એ દેવીપૂજક શખ્સના સગા સંબંધી આવી ગયા હતા અને પોલીસ પર હુમલો કરી રિવોલ્વર આંચકી ભાગી ગયા હતા.

(9:09 pm IST)