રાજકોટ
News of Saturday, 25th September 2021

રાજકોટ સહિત ગુજરાત ભરમાં નકલી PSI બની તોડ કરનાર જામનગરનો શખ્સ પકડાયો

રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે દબોચી લીધો : જેતપુર સહિત ૨૦થી ૩૦ સ્થળે તોડ કર્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૨૫ : રાજકોટ શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરના નકલી પીએસઆઇ બની લાખોની રકમની તોડ કરનાર જામનગરના લોહાણા શખ્સની રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ જયદીપસિંહ પરમાર બોલતો હોવાનું કહી અનેક શખ્સો પાસેથી તોડ કરતો હોવાની ફરીયાદો ઉઠતા આ અંગે રૂરલ એસપી બલરામ મીણાએ રૂરલ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે નકલી પીએસઆઇનું પગેરૂ દબાવ્યું હતું.

રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. રવિદેવ બારડ તથા ટીમે નકલી પીએસઆઇ ધાર્મિક પાબારી (રહે. જામનગર)ને  દબોચી લીધો હતો. નકલી પીએસઆઇ ધાર્મિક પાબારી રાજકોટ શહેર તથા જિલ્લા સહિત ગુજરાતભરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીએસઆઇ જયદીપસિંહ પરમાર તરીકેની ઓળખ આપી લાખોની રકમની તોડ કરતો હતો તેમજ અમદાવાદ પંથકમાં સાઇબર ક્રાઇમનો પીએસઆઇ તરીકેની ઓળખ આપી તોડ કરતો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુરના વેપારી અભય ગીરીશભાઇ વડાલીયાના પિતાને પણ નકલી પીએસઆઇ ધાર્મિક પાબારીએ ફોન કરી પોતે રાજકોટ એલસીબીના પીએસઆઇ જયદિપસિંહ પરમાર બોલતા હોવાનું ખોટુ નામ અને હોદ્દો ધારણ કરી વેપારી અભયભાઇ તથા તેના પિતાને વિશ્વાસમાં લઇ વેપારી અભયભાઇ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા મહિલાને બિભત્સ ફોટા મોકલવાની ફરિયાદ થયેલ હોવાનું જણાવી પૂછપરછ કરી ફરિયાદી અભયભાઇ પાસેથી તેનું ફેસબુક આઇડી લીંક અને પાસવર્ડ મેળવી તીનપત્તી ગેમમાં લોગ ઇન થઇ સાડા ચારસો કરોડ ચીપ્સ ટ્રાન્સફર કરી લઇ વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.

જેતપુરના આ છેતરપીંડીના બનાવ અંગે વેપારી અભયભાઇની ફરિયાદ પરથી જેતપુર પોલીસે નકલી પીએસઆઇ સામે ગુન્હો દાખલ કર્યો છે.  દરમિયાન પકડાયેલ નકલી પીએસઆઇ ધાર્મિક પાબારીની રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા ટીમે પૂછપરછ કરતા ધાર્મિક પાબારીએ નકલી પીએસઆઇ તરીકે ગુજરાતમાં ૨૫ થી ૩૦ સ્થળે લાખોની મત્તાનું તોડ કર્યાનું કબૂલ્યું છે. આ અંગેની સત્તાવાર વિગતો હવે જાહેર કરાશે.

(11:46 am IST)