રાજકોટ
News of Wednesday, 25th September 2019

પ્લાસ્ટીક ઉત્પાદનને બ્રેક અયોગ્યઃ લાખો બેરોજગાર થશેઃ રિ-સાયકલની વ્યવસ્થા જરૂરી

રાજકોટમાં પ્લાસ્ટીક મેન્યુ. એસો.એ ૩૦૦૦થી વધુ લોકોની જબ્બર રેલી યોજી સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જોરદાર વિરોધ કર્યોઃ મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવી પ્લાસ્ટીક કચરાનાં સેગ્રીગેશનની વ્યવસ્થા સહીતનાં સુચનો કર્યાઃ ધારાસભ્ય લલીત કગથરા, ચેમ્બરના વી.પી.વૈષ્નવ,કિશોરભાઇ સંઘવી, ભરત પરસાણા, રમેશ ગજેરા, જય પટેલ, મધુરભાઇ સહીતના આગેવાનો જોડાયા

પ્લાસ્ટીક પ્રતિબંધનો જબ્બર વિરોધઃ પ્લાસ્ટીક મેન્યુ. એસો.એ સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધનો વિરોધ કરી જબ્બર રેલી યોજી મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવેલ તે વખતની તસ્વીરમાં ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વી.પી.વૈષ્ણવ સહીતનાં આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૫: હમણા હમણા પ્લાસ્ટીક પર પ્રતિબંધનો અવાજ ઉઠી રહ્યો છે તેની સામે ચિંતત થઇ ઉઠેલા રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા સાચી હકિકત સામે મુકવાના હેતુથી આજે સવારે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયુ હતુ. આ અંગે મ્યુ.કમિશ્નરને આવેદન પત્ર પાઠવામાં આવ્યુ હતુ.

પ્લાસ્ટીક ઉત્પાદન ઉપર બેન લગાવવો એ ખરો ઉપાય નથી. હકીકતે તેના સદ્દઉપયોગની દીશામાં જે રીતે ઇન્દોરે આયોજન કર્યુ તે રીતનું વર્ગીકરણ કરીને રીસાયકલ કરવાની દીશામાં આપણે પણ વિચારવાની જરૂર છે.એટલે સાચી હકીકતથી સૌને વાકેફ કરવાના ઇરાદાથી રાજકોટ પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસોસીએશન દ્વારા આજે એક વિશાળ શાંત રેલીનું આયોજન કરાયુ છે. કોઇપણ જાતના નારાબાજી વગર સવારે ૧૦ વાગ્યે રેલીનો શહેર પોલીસ કમિશ્નર કચેરીથી પ્રારંભ થયો હતો. જે ડો. યાજ્ઞીક રોડ, ત્રિકોણ બાગ થઇ મ્યુ.કમિશ્નર કચેરીએ (સેન્ટ્રલ ઝોન)ે પહોંચી મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવામાં આવ્યુ હતુ.

આ અંગે પ્લાસ્ટીક મેન્યુફેકચરર્સ એસો.ને મ્યુ.કમિશ્નરને પાઠવેલ  પત્રમાં જણાવાયુ હતુ કે, પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવી દઇને કાપડ અથવા કાગળના ઉપયોગ વધારવાની વાત છે તે વિષે વિચારીએ તો તેમાં પણ ઉત્પાદન ખર્ચ અને તેનાથી થતા પ્રદુષણ તેમજ કાચા માલ તરીકે વૃક્ષો કાપવાની જરૂર પડી શકે. એ રીતે પર્યાવરણને તો નુકશાન થવાનું જ છે.

ખરેખર તો પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવવાને બદલે કોઇ યોગ્ય ઉપાયો શોધવાની જરૂર છે.

જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં મહાનગરપાલીકાએ વિચાર્યુ છે તેમ પ્લાસ્ટીકના ઘન કચરાને યોગ્ય વર્ગીકરણ કરી રીસાયકલીંગ કરવુ જોઇએ. ત્યા આવા પ્લાસ્ટીકના કચરામાંથી ક્રુડ ઓઇલ બનાવવાનું શરૂ કરાતા ભારત સરકાર દ્વારા યોજાયેલ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ઇન્દોર મોખરે અવેલ છે. તો આપણે ત્યાં પણ આવુ કઇ ન વિચારી શકાય? તેવો સવાલ પ્લાસ્ટીક મેન્યુ. એસો. દ્વારા ઉઠાવાયો છે.

પ્લાસ્ટીક મેન્યુ.  એસો.નાં સુચનો

સીંગલ યુઝ પ્લાસ્ટીકના કચરાની સમસ્યાનો કાયમી ઉકેલ માટેપ્લાસ્ટીક રિ-સાયકલ જરૂરી છે.

પ્લાસ્ટીક કચરો બને એ પહેલા તેના વર્ગીકરણની વ્યવસ્થા જરૂરી છે.

હાલમાં જ પ્લાસ્ટીક વેસ્ટમાંથી પેવર બ્લોક બના

વવાનું શરૂ થઇ ગયું છે. આવા ઉદ્યોગોને પણ સરકાર પ્રમોટ કરી ઉકેલ લાવી શકે.

મધ્યપ્રદેશનાં ઇંદોર શહેરમાં મહાનગર  પાલીકા દ્વારા પ્લાસ્ટીક ઘન કચરાને યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તેમ મુજબ રાજકોટમાં પણ એ જ મોડેલ અપનાવવું જરૂરી.

પ્લાસ્ટીક ઉદ્યોગોની  અગત્યતા અને ફાયદાઓ

પ્લાસ્ટીકમાંથી બનેલી વસ્તુઓનાં વપરાશના કારણે ચેપી રોગ ફેલાવતા જંતુઓ એક બીજા મનુષ્યોમાં પ્રવેશ કરતા નથી અને ેતેથી મોટો રોગચાળો અટકે છે.

જો પ્લાસ્ટીકના કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવામાં આવે તો પ્લાસ્ટીક ઘન કચરાનું ૧૦૦ ટકા રી-સાયકલીંગ કરી શકાય છે અને પ્લાસ્ટીક વેસ્ટમાંથી અલગ-અલગ ચીજ વસ્તુઓ ફરીથી બનાવી શકાય છે જે સામાન્ય લોકોની સુખાકારી માટે એક ઉદાહરણ સમાન છે.

સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધથી  લાખો બેરોજગાર થશે

લઘુ ઉદ્યોગ તથા સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોની હાલત દયનીત થઇ જાશે.

માત્ર ગુજરાત રાજયમાં જ ૬૦ લાખથી વધુ લોકો બેરોજગાર થઇ જશે અને આથિક મંદીની ચપેટમાં આવી જશે. રાજકોટ જીલ્લામાં આવેલ પ્લાસ્ટીક ઉદ્યોગોમાં કામ કરતા આશરે પ૦૦૦ (પાંચ હજાર) પરીવારો બેરોજગાર થઇ જશે.

હાલ પ્લાસ્ટીકના ઉપયોગની અવેજીમાં કાગળ અથવા કાપડનો ઉપયોગ કરવો પડે જેના માટે વપરાતુ પાણી પુષ્કળ માત્રામાં જોઈએ જેની તુલનામાં પ્લાસ્ટીક ઉત્પાદન કરતા ઉદ્યોગમાં પાણીનો વપરાશ નહીવત છે. કાગળના ઉત્પાદન માટે જંગલોનો નાશ થશે જે આપણા (પર્યાવરણ) માટે યોગ્ય નથી. એવી જ રીતે ગ્લાસ તથા ધાતુ (મેટલ)નો ઉપયોગ પ્લાસ્ટીકની અવેજીમાં કરવામાં આવે તો આરોગ્ય, ફળદ્રુપ જમીન અને ઉપલબ્ધ પાણીનો સ્ત્રોતને અસર થશે.

આ પ્રતિબંધથી આશરે રૂ. ૧૫૦૦ કરોડની સરકારશ્રીની આવક (રેવન્યુ) બંધ થઈ જશે જેમાં આશરે રૂ. ૫૦૦ કરોડનું જીએસટી, આશરે રૂ. ૩૦૦ કરોડનું વિજબીલ અને આશરે રૂ. ૭૦૦ કરોડનો આયકર સામેલ છે.

આમ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા પ્લાસ્ટીક ઉદ્યોગકારો આપશ્રીને નમ્ર નિવેદન (રજુઆત) કરી રહ્યા છે કે પત્રમાં પાઠવેલ તમામ બાબતો-મુદ્દાઓને ધ્યાને લઈ વાણીજ્ય-વેપાર, સ્વસ્થ ઉદ્યોગો અને હજારો શ્રમિકોની રોજગારી જળવાઈ રહે તે હેતુથી ઘન કચરાના વર્ગીકરણના નવા વિકલ્પો શોધી સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પરનો પ્રતિબંધ નહી મુકવા એસો.એ માંગ ઉઠાવી છે.

(4:20 pm IST)