રાજકોટ
News of Tuesday, 25th September 2018

જંગલેશ્વરમાં રમતાં-રમતાં બેભાન થઇ જતાં પાંચ વર્ષની સોનલનું મોત

અન્ય બનાવોમાં બેભાન હાલતમાં તાર ઓફિસ પાછળ રહેતાં યજ્ઞેશભાઇ રાયઠઠ્ઠા, ખોડિયારનગરના નારણભાઇ મુંધવા અને ગીતાનગરના દેવદાસભાઇ ડોડીયાનું મોત

રાજકોટ તા. ૨૫: જંગલેશ્વર મેઇન રોડ પર રહેતાં મુળ યુ.પી.ના જગરામ ખારવાની દિકરી સોનલ (ઉ.વ.૫) સાંજે ચારેક વાગ્યે રમતી-રમતી અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

 ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ સુરેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી. સોનલના પિતા સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તેણી બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી.

બીજા બનાવમાં જ્યુબીલી બાગ સામે તાર ઓફિસ પાછળ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં યજ્ઞેશભાઇ હિમતલાલ રાયઠઠ્ઠા (ઉ.૫૫)ને રાત્રે ઉલ્ટી થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. સાજીદભાઇ અને અલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી લોહાણા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં આજી જીઆઇડીસી પાસે ખોડિયારનગરમાં રહેતાં નારણભાઇ વાલાભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૫૫)ને રાત્રે સાડા ત્રણેક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજતા થોરાળાના પીઅસઆઇ કે. કે. પરમારે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ ગીતાનગર-૪માં રહેતાં દેવદાસભાઇ ભવાનભાઇ ડોડીયા (ઉ.૭૩) રાત્રે એક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે. એ. ખાચર અને રવિરાજસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ઉપરોકત ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને હેમેન્દ્રભાઇ વાધીયાએ જે તે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. (૧૪.૫)

(4:22 pm IST)