રાજકોટ
News of Tuesday, 25th September 2018

ગઢકાના પાટીયા પાસેથી આજીડેમ પોલીસે બે કાઠી શખ્સને દારૂ-બીયર ભરેલી સ્કોર્પિયો સાથે પકડ્યા

૫૦૨ બોટલ દારૂ અને ૧૦૮ બીયરના ટીન મળ્યાઃ કુલ ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે થયોઃ રાજકોટના જયરાજ કાઠી અને મુળી રામપરાના શેલુ કાઠીની ધરપકડ

રાજકોટ તા. ૨૫: રાજકોટ-ભાવનગર હાઇવે પર ગઢકા ગામના પાટીયા પાસેથી આજીડેમ પોલીસે રૂ. ૬૮૨૦૦નો દારૂ-બીયર ભરેલી સ્કોર્પિયો સાથે રાજકોટ અને  મુળીના બે કાઠી શખ્સને પકડી લઇ કુલ રૂ. ૧૦,૬૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પોલીસ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે ગઢકાના પાટીયા પાસેથી નંબર વગરની સ્કોર્પિયો કાર દારૂ-બીયર ભરીને નીકળે છે તેવી માહિતી મળતાં પી.એસ.આઇ. જી. એન. વાઘેલા, જયેન્દ્રભાઇ દવે, વિક્રમભાઇ, મહાવીરસિંહ, નિલેષભાઇ સહિતની ટીમે વોચ રાખતાં બાતમી મુજબની સ્કોર્પિયો નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં અંદરથી જુદી-જુદી બ્રાન્ડનો ૫૦૨ બોટલ દારૂ તથા ૧૦૮ બીયરના ટીન મળતાં તે તથા કાર મળી કુલ રૂ. ૧૦,૬૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે કારમાં બેઠેલા જયરાજ કનુભાઇ બોરીચા (કાઠી દરબાર) (ઉ.૨૬-રહે. કોઠારીયા રોડ, હરિઓમ પાર્ક-૨) તેમજ શેલુ દનકુભાઇ કરપડા (કાઠી દરબાર) (ઉ.૨૮-રહે. રામપરા તા. મુળી)ની ધરપકડ કરી છે. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ વાઘેલા અને ટીમે આ કાર્યવાહી કરી હતી. (૧૪.૭)

(4:21 pm IST)