રાજકોટ
News of Tuesday, 25th September 2018

સ્વાઇન ફલુ વકરી રહ્યો છે ત્યારે તંત્ર ઉત્સવોમાં વ્યસ્ત

છેલ્લા ર૪ દિવસમાં ૩૯ દર્દીઓ નોંધાયાઃ ૩ મોતઃ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓ પણ સ્વાગતોત્સવમાં લાગી ગયાઃ પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં

રાજકોટ તા. રપ :.. શહેરમાં દિવસે ને દિવસે સ્વાઇન ફલુનાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર વિવિધ ઉત્સવોમાં વ્યસ્ત હોવાથી શહેરીજનોની જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ આંકડાઓ મુજબ છેલ્લા ર૪ દિવસમાં સ્વાઇન ફલુનાં ૩૬ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી મોટા ભાગનાં વેન્ટીલેટર ઉપર છે અને ૩ જેટલા દર્દીઓનાં મોત થયા છે.

આમ 'સ્વાઇન ફલુ' નો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે. છતાં મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી નથી કેમ કે સ્વાઇન ફલુ અંગે જનજાગૃતિનાં કોઇ પગલા લેવાયા નથી.

સ્વાઇન ફલુ ધીમા પગલે વકરી રહ્યો છે કેમ કે 'સ્વાઇન ફલુ' નો વિષાણું સરળતાથી ફેલાય છે અને લોકોનાં આરોગ્યને જોખમમાં મુકે છે ત્યારે આ રોગથી જાણકારી અને તેને ફેલાતો અટકાવવા માટે શુ પગલા લેવા ? તેની સારવાર કયાં ! કેવી રીતે લેવી ? વગેરે  બાબતો અંગે કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે હજુ સુધી કોઇ જ માર્ગદર્શીકા જાહેર નથી કરી એટલુ જ નહીં. સ્વાઇન ફલુ નાં દર્દી જે  વિસ્તારમાં રહેતાં હોય ત્યાં દવા છંટકાવ દવા વિતરણ સહિતનાં પગલા લેવામાં આવ્યા નથી. તેવી ફરીયાદો ઉઠી છે.

ત્યારે હાલમાં સ્વાગત ઉત્સવમાં વ્યસ્ત આરોગ્ય વિભાગનાં અધિકારીઓ અને આરોગ્ય વિભાગ સંભાળતાં પદાધિકારીઓ જાગે તે અત્યંત જરૂરી છે. (પ-ર૮)

(3:51 pm IST)