રાજકોટ
News of Friday, 25th June 2021

રાજકોટમાં લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ વધુ એક ગુનો

કૌભાંડીયાઓ ગુજરી ગયેલા પટેલ વૃધ્ધનું નામ ધારણ કરી મોટામવાનો કિંમતી પ્લોટ ખાઇ ગયાઃ કલાકોમાં ત્રણની ધરપકડ

મૃતક વૃધ્ધના પુત્ર નાના મવા રોડ ગોવિંદ પાર્કમાં રહેતાં કાંતિભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રાજકોટના મિલન મકવાણા, દ્વારકાના દોલુભા સુમાણીયા, ગોંડલના જીતેન્દ્ર ગજેરા, વકિલ સહિત સામે ગુનો

રાજકોટ તા. ૨૫: લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા હેઠળ પાંચ દિવસમાં ત્રીજો ગુનો દાખલ થયો છે. અગાઉ યુનિવર્સિટી પોલીસે બે દિવસમાં આવા બે ગુના દાખલ કર્યા હતાં. હવે તાલુકા પોલીસમાં એક ફરિયાદ દાખલ થઇ છે. જેમાં પાંચ શખ્સો સામે મુળ ઉપલેટાના સાજડીયાળીના વતની હાલ નાના મવા રોડ પર ગોવિંદ પાર્કમાં રહેતાં પટેલ વૃધ્ધના પિતાશ્રીની માલિકીની મોટા મવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે. પટેલ વૃધ્ધના અવસાન પામેલા પિતાનું નામ ધારણ કરી કાવત્રુ રચી રાજકોટ, દ્વારકા, ગોંડલના શખ્સોએ ખોટા સોંગંદનામા ઉભા કરી બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે જમીન રૂ. ૩૫ લાખમાં વેંચી નાંખી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો દાખલ થયાના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં એક વકિલ પણ સામેલ છે.

બનાવ અંગે તાલુકા પોલીસે નાના મવા રોડ પર ગોવિંદ પાર્ક-૧ પંચશીલ કોમ્પલેક્ષ ફલેટ નં. ૩૦૧માં રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ ભુરાભાઇ બાણગોરીયા (પટેલ) (ઉ.વ.૭૧)ની ફરિયાદ પરથી પોપટપરા રઘુનંદન સોસાયટી પોસ્ટ ઓફિસ સામે શિવ લહેરી ખાતે રહેતાં મિલન ખોડાભાઇ મકવાણા, દેવભુમિ દ્વારકા નરસંગ ટેકરીએ રહેતાં દોલુભા દેવાભા સુમાણીયા, ગોંડલ નાની બજારમાં રહેતાં જીતેન્દ્ર રમેશભાઇ ગજેરા, તથા એક વકિલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦-બી, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કાંતિભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતાશ્રી ભુરાભાઇ માણજીભાઇ બાણુગોરીયા (પટેલ)ની માલિકીનો પ્લોટ રાજકોટ તાલુકાના મોટા મવા ગામના રેવન્યુ સર્વે નં. ૬૫વાળી જમીનના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. ૪૫ની જમીન ચો.મી. ૨૪૦-૮૦ ચો.વા. આ. ૨૮૮-૦૦ આવેલો છે. તેમનું (ભુરાભાઇનું) તા. ૨૧/૧૧/૨૦૦૧ના રોજ અવસાન થયું છે.

આમ છતાં આરોપીઓએ એકસંપ કરી પુર્વયોજીત કાવત્રુ રચી મારા પિતાશ્રીની જગ્યાએ કોઇ ત્રાહિત વ્યકિતને ભુરાભાઇ ભાણજીભાઇ પટેલ (ફળદુ) (ઉ.વ.૭૫) (રહે. મધુવન સોસાયટી ઝાંઝરડા રોડ જુનાગઢ)નું નામ ધરાણ કરાવી મારા પિતાશ્રીની ખોટી બોગસ સહીઓ કરી અમારી મોટા મવાની જમીનનો પ્લોટ પચાવી પાડવા તેનો વેંચાણ દસ્તાવેજ ઉભો કરી મિલન મકવાણના નામે કરી અપાયો હતો. જેમાં સાક્ષી તરીકે મારા પિતાશ્રીની ખોટી ઓળખ દોલુભા સુમાણીયા, જીતેન્દ્ર ગજેરાએ આપી સાક્ષીમાં સહઓ કરી હતી.

આ ઉપરાંત યુએલસીના સોંગદનામામાં હરસુખભાઇ મગનલાલે મારા પિતાશ્રીની ખોટી ઓળખ આપી એકબીજાને મદદ કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી લીધો હતો. તેમજ આ બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી રાજીબેન દિલીપભાઇ ગોઢાણીયા (રહે. રાજકોટ)ને વેંચાણ દસ્તાવેજ તા. ૨૪/૧/૨૦૧૯ના રોજ કરી આપી રૂ. ૩૫ લાખ તેમની પાસેથી મેળવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે.

ફરિયાદી કાંતિભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમે ૨૦૧૮માં પ્લોટનો વેરો પંચાયતમાં ભરવા માટે ગયા ત્યારે અમને ખબર પડી હતી કે આ પ્લોટ વેંચાઇ ગયો છે અને મિલન મકવાણાના નામે બોલે છે. એ પછી અમે તપાસ કરાવતાં બોગસ દસ્તાવેજ બની ગયાની અને તેમાં સામેલ શખ્સોની માહિતી મળતાં અમે વકિલ મારફત જે તે વખતે બોગસ દસ્તાવેજ રદ કરાવવા અરજી કરી હતી. આ ઉપરાંત પોલીસમાં પણ રજૂઆતો કરી હતી. છેલ્લે કલેકટરશ્રીને ફરિયાદ કરી હતી. ત્યાંથી પોલીસને ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસે મિલન મકવાણા, દોલુભા સુમાણીયા અને વકિલને પુછતાછ માટે બોલાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

એસીપી જે. એસ. ગેડમ, ઇમ્તિયાઝભાઇ અને જયંતિભાઇ તેમજ તાલુકા પીઆઇ જે. વી. ધોળા, ભરતભાઇ વનાણી, પ્રવિણભાઇ,  ભાવીનભાઇ,  વિજયગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

એસીપી જે. એસ. ગેડમે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે આ ગુનો દાખલ થયા પછી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં કલાકોમાં ત્રણ આરોપીઓ મીલન ખોડાભાઇ મકવાણા (ઉ.વ.૨૯ રહે. રઘુનંદન સોસાયટી શેરી નં ૨/૬ પોપટપરા રાજકોટ),  દોલુભા દેવાભા સુમાણીયા (ઉ.વ.૪૯ ધંધો-કાર લે વેચ રહે. દ્વારકા બસ સ્ટેન્ડ સામે નરસંગ ટેકરી વાછરાદાદાના મંદીરની સામે દ્વારકા તેમજ તથા પોપટપરાની બાજુમા રધુનંદન સોસાયટી શેરી નં ૬ રાજકોટ) તથા વકિલનીધરપકડ કરવામાં આવી છે.

એસીપી જે. એસ. ગેડમે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં મીલન મકવાણાએ પોતાના નામે ખોટો અને બનાવટી દસ્તાવેજ બનાવી જે સાચા તરીકે ઉપયોગ કરી અન્યને પ્લોટની વેચાણ કરી વેચાણ કીમત મેળવી છે. જ્યારે દોલુભા  સુમાણીયાએ ખોટા બનાવટી દસ્તાવેજમા સાક્ષી તરીકે પોતાની સહી કરેલી જે ખોટા અને બનાવટી દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગ કરી અન્ય વેચતી વખતે પણ દસ્તાવેજમા સાક્ષી તરીકે સહી કરેલ અને પ્લોટની વેચાણ કીમત પૈકીની રકમ મળવી હતી. જ્યારે  વકિલે મૃત્યુ પામેલા ભુરાભાઇ ભાણજીભાઇ બાણગરીયાનું ખોટુ નામ ધારણ કરનાર ભુરાભાઇ ભાણજીભાઇ પટેલ(ફળદુ) તરીકેની ઓળખ આપી ખોટુ સોગધનામુ કરી ખોટો બનાવટી દસ્તાવેજ બનાવવા માટે સ્ટેમ્પ પેપરની સગવડ કરી આપી સ્ટેમ્પ પેપર પર ખોટો અને બનાવટી દસ્તાવેજનું લખાણ કરી સબ.રજી. પાસે રજુ કરી ખોટુ નામ ધારણ કરનાર સાચા માલીક તરીકે રજુ કરી આરોપી મીલનના નામે ખોટો બનાવટી દસ્તાવેજ કરવાની પ્રક્રિયામા વકીલ તરીકેની કામગીરી કરી છે.

(4:21 pm IST)