રાજકોટ
News of Thursday, 25th June 2020

યુનિવર્સિટી રોડ પર રજત ઉર્ફ મુંગો ગોંડલીયાને પ્રેમિકાના બનેવી રવિએ કાતરના ચાર ઘા ઝીંકયાઃ હત્યાનો પ્રયાસ

યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધોઃ પોતાની પ્રેમિકાને પરત લઇ જવા રજતે રવિની પત્નિ સાથે માથાકુટ કરતાં રવિએ તેને વાત કરવા બોલાવતાં તેના પર રજતે કાતરથી હુમલો કર્યોઃ રવિએ તેની જ કાતર ખુંચવી લઇ વળતો ઘા કર્યો

રાજકોટ તા.૨૫: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ મિત્ર સાથે કવાર્ટરમાં રહેતાં અને વાયરીંગનું કામ કરતાં વાળંદ યુવાન પર પૂર્વ પ્રેમિકાના બનેવી રબારી શખ્સે યુનિવર્સિટી રોડ પર હોટેલ નજીક સરાજાહેર કાતરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે. વાળંદ યુવાનને અગાઉ હુમલાખોર રબારી યુવાનની સાળી સાથે પ્રેમ હોઇ તેને ભગાડી ગયો હતો. હાલમાં તેણી પરત તેના માવતરે જતી રહી છે. પોતે સાંજે તેણીને મળવા અને વાતચીત કરવા જતાં તેણીની બહેન સાથે માથાકુટ થઇ હતી. તેની જાણ  બનેવી રબારી યુવાનને થતાં તેણે વાળંદ યુવાનને વાતચીત કરવા બોલાવ્યા બાદ માથાકુટ થઇ હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રજત ઉર્ફ મુંગો ઘનશ્યામભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૦) નામના વાળંદ યુવાનના મિત્ર મહાવીરસિંહ ભાવેશભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.વ.૧૯-રહે. ભગતસિંહજી ગાર્ડન પાછળ, ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૪૫/૧૭૨)ની ફરિયાદ પરથી આકાશવાણી ચોક નજીક રહેતાં રવિ રબારી નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૦૭,૧૩૫ (૧) મુજબ હત્યાની  કોશિષનો ગુનો નોંધ્યો છે.

મહાવીરસિંહે પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે પુનિતનગર પાણીના ટાંકા પાસે કપીલ પટેલના ગેરેજમાં નોકરી કરુ છું અને મારી સાથે મારા કવાર્ટરમાં મિત્ર રજત ગોંડલીયા પણ રહેતો હતો. તે મારો અંગત મિત્ર છે અને એકાદ માસથી મારું કવાર્ટર છોડી બીજે કયાંક રહેવા જતો રહ્યો છે. સાંજે સાતેક વાગ્યે હું ચાલીને મારા ઘર નજીક યુનિવર્સિટી રોડ નકલંક હોટેલે ચા પીવા જતો હતો ત્યારે હોટેલ નજીક રોડ પર લોકોનું ટોળુ હોઇ ત્યાં જોવા જતાં મારો મિત્ર રજત ઉર્ફ મુંગો લોહીલુહાણ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. તેની બાજુમાં અમારા વિસ્તારનો રવિ રબારી હાથમાં કાતર લઇને ઉભેલો દેખાયો હતો.

કોઇએ ૧૦૮ને જાણ કરતાં ગાડી આવી જતાં હું મિત્રને સિવિલ હોસ્પિટલે લઇ ગયો હતો. મેં તેને રસ્તામાં આ બનાવ અંગે પુછતાં તેણે કહ્યુ઼ હતું કે રવિ રબારીએ મને જાનથી મારી નાંખવાના ઇરાદે કાતરથી હુમલો કર્યો છે. હોસ્પિટલે પહોંચાડતાં તબિબે તપાસ કરતાં રજતને વાંસામાં ત્રણ ઘા, પેટમાં ડાબી બાજુ નીચેના ભાગે એક ઉંડો ઘા તથા કોણીના ભાગે એક ઘા જોવા મળ્યા હતાં. તે બેભાન થઇ ગયો હોઇ હુમલાનું કારણ જાણી શકાયુ નહોતું.

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરની રાહબરીમા પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દોડધામ આદરી છે.

હોસ્પિટલના બિછાને આજે સવારે ભાનમાં આવેલા રજત ઉર્ફ મુંગાએ જણાવ્યું હતું કે પોતાને પરિવારમાં કોઇ હયાત નથી. પોતે એકલો જ મિત્ર સાથે રહે છે અને વાયરીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. છ-સાત વર્ષ પહેલા આકાશવાણી પાસે ત્રણ માળીયામાં વાયરીંગ કામ કરવા ગયો હતો ત્યારે રવિ રબારીની સાળી સ્નેહા સાથે ઓળખાણ થઇ હતી અને બંને વચ્ચે પ્રેમ થઇ જતાં બંને અઠવાડીયુ ભાગી પણ ગયા હતાં. બંનેને લગ્ન પણ કરવાના હતાં. પરંતુ હાલમાં તેણી પરત તેના પરિવાર સાથે જતી રહી હતી. પોતે ગઇકાલે તેણીને મળવા ગયો હતો. આ વખતે તેણીની બહેન સાથે ચડભડ થતાં બહેને પોતાના પતિ રવિને ફોન કરી વાત કરતાં રવિએ રજતને શાંતિથી વાત કરવા અને એવું હોય તો રૂબરૂ ગાર્ડન પાસે આવીને વાત કરવા કહેતાં રજત ત્યાં ગયો હતો. રવિ સાથે વાતચીત વખતે રજતે પહેલા પોતાની પાસેની કાતરથી રવિ પર હુમલો કર્યો હતો. બાદમાં રવિએ ખાતર ખેંચી લઇ ઘા ઝીંકી દીધા હતાં. રજત અગાઉ હત્યાની કોશિષ અને હથીયારના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. પીઆઇ ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, ગિરીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, અજયભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. (૧૪.૧૨)

(3:03 pm IST)