૮૦ ફુટ રોડ પર 'હિટ એન્ડ રન': ઢેબર કોલોનીના શબ્બીર રાવકરડાનું મોત
માર્કેટ યાર્ડથી મિત્રને મળીને પરત આવી રહ્યો હતો ત્યારે અજાણ્યો કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં માતમ
રાજકોટ તા. ૨૫: શહેરના ૮૦ ફુટ રોડ પર ફિલ્ડ માર્શલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૭૯માં રહેતાં શબ્બીરભાઇ નુરમહમદભાઇ રાવકરડા (ઉ.૩૨)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
મૃત્યુ પામનાર શબ્બીરભાઇ ત્રણ ભાઇમાં નાનો હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પત્નિનું નામ રૂકશાનાબેન છે. તે માતા-પિતા-ભાઇઓ સહિતના પરિવારની સાથે જ રહેતો હતો. સાંજે પોતાનું ટુવ્હીલર એકસેસ નં. જીજે૦૩એફડી-૭૮૯૦ હંકારીને માર્કેટ યાર્ડ ખાતે મિત્રને મળવા ગયો હતો. ત્યાંથી પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે કોઇ ફોરવ્લીરનો ચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતો. ફંગોળાઇ ગયેલા શબ્બીરભાઇને માથાની પાછળના ભાગમાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
થોરાળાના પીએસઆઇ કે. કે. પરમારે મૃતકના ભાઇ હમીદભાઇ રાવકરડા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.