રાજકોટ
News of Monday, 25th June 2018

પરિવારની વિરૂધ્ધ જઇ 'પ્રેમલગ્ન' કરનારી નમ્રતાને પતિ 'પ્રકાશ' તરફથી 'પ્રેમ'ને બદલે મળ્યો 'ત્રાસ' અને 'મોત'!

પત્નિને ક્રુરતાથી રહેંસી નાંખનાર લુહાર શખ્સ પ્રકાશના ચહેરા પર પછતાવાના કોઇ ભાવ નથીઃ નિષ્ઠુરતાથી કહ્યું-સાથે ન આવી એટલે મારી નાંખી!! : નમ્રતા પિતાની નાસ્તાની દૂકાને બેસતી ત્યારે પ્રકાશ ત્યાં આવતો...બંને વચ્ચે પ્રેમઅંકુર ફુટ્યા ને લવમેરેજ કર્યાઃ પણ ત્યારે નમ્રતાને કયાં કલ્પના હતી કે જેને તે 'જિંદગી' સમજી રહી છે એ જ 'મોત' બનશે!?: દારૂ પી પ્રકાશ સતત ત્રાસ આપતો, નોકરી પર જતી તો ત્યાં જઇને પણ હેરાન કરતોઃ છેલ્લે રિસામણે ગઇ તો 'પરલોક' પહોંચાડી દીધી

રાજકોટ તા. ૨૫: અઢી અક્ષરના પ્રેમ પાછળ કંઇ કેટલાય ફના થઇ ગયા છે. પણ આજના યુગમાં પ્રેમ નિભાવવો એ બહુ અઘરૂ કામ થઇ ગયું છે. પ્રેમીમાંથી પતિ-પત્નિ બન્યા પછી સંસાર જીવનને સુખરૂપ અને એક બીજાની સતત સાથે રહીને આગળ વધારવા માટે પરસ્પર સમજદારી અને વફાદારી ખુબ જરૂરી છે. બે માંથી એક જો અવળા રસ્તે ચડી જાય તો સંસાર રથની ગાડી ખડી પડે. નવલનગરમાં શનિવારે સાંજે થયેલી નમ્રતા (ઉ.૨૫)ની હત્યા પાછળ કંઇક આવી જ કરૂણ કહાની બહાર આવી છે. લોહાણા પરિવારની આ દિકરીએ  ત્રણ વર્ષ પહેલા પડોશમાં જ રહેતાં પ્રકાશ દિપકભાઇ પરમાર નામના લુહાર યુવાન સાથે પરિવારની વિરૂધ્ધ જઇને પ્રેમલગ્ન કર્યા હતાં. પણ નમ્રતાને ત્યારે કયાં ખબર હતી કે જેને તે જિંદગી સમજીને પોતાની જિંદગી સોંપી રહી છે એ પતિ પ્રકાશ આગળ જતાં પ્રેમના નામે ત્રાસ રૂપી અંધકારમાં ધકેલી દેશે અને છેલ્લે મોત આપશે!? દારૂ પી સતત ત્રાસ આપતાં પતિની કંટાળીને આ યુવતિ જેનું ઘર છોડીને નીકળી ગઇ હતી એ જ માવતરના ઘરે પાછી ફરી હતી...પણ નફફટ પતિ પ્રકાશ અહિ પણ પાછળ પાછળ પહોંચી ગયો હતો અને પત્નિ નમ્રતાને ધરાર પોતાની સાથે લઇ જવા દબાણ શરૂ કર્યુ હતું. તેણીએ સાથે જવાની ના પાડી દેતાં છરીના ઘા ઝીંકી 'પરલોક' પહોંચાડી દીધી હતી.

માલવીયાનગર પોલીસે  હત્યાનો ભોગ બનેલી નમ્રતાના પંચનાથ પ્લોટ-૧૬માં રહેતાં માસી રાધાબેન વૃજલાલભાઇ રાયઠઠ્ઠા (ઉ.૬૮)ની ફરિયાદ પરથી પ્રકાશ સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૪૯૮ (ક), જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. પ્રકાશે પત્નિ પર હુમલો કર્યો ત્યારે સાસુ મીનાબેન ભરતભાઇ  કાનાબારને પણ છરીના ઘા ઝીંકી દીધા હતાં.

પત્નિની હત્યા અને સાસુની હત્યાનો પ્રયાસ કરી ભાગી છૂટેલા લુહાર શખ્સ પ્રકાશને પોલીસે સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે નિષ્ઠુર થઇને જણાવ્યું હતું કે રિસામણે બેઠેલી પત્નિએ પાછી આવવાની ના પાડી દેતાં તેને મારી નાંખી હતી! આવું કહેતી વખતે આ નરાધમના ચહેરા પર અફસોસ કે પછતાવાના કોઇ ભાવ જોવા મળ્યા નહોતાં.

પ્રેમ, લગ્ન અને હત્યા...ની આ કહાની વિશે પ્રારંભથી જોઇએ તો હાલમાં અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, નુપુર જ્વેલર્સવાળી શેરીમાં લવકુશ શાળા પાછળ રહેતો હત્યારો લુહાર શખ્સ પ્રકાશ પરમાર ત્રણ વર્ષ અગાઉ નવલનગર-૧૮માં નમ્રતાના પડોશમાં જ રહેતો હતો. તેણીના પિતા ભરતભાઇ મવડી રોડ સહયોગ રોડ પર નાસ્તાની દૂકાન ચલાવતાં હોઇ ત્યાં નમ્રતા પણ બેસતી હોવાથી  પ્રકાશ અવાર-નવાર ત્યાં જતો હતો. એ વખતે બંને વચ્ચે આંખ મળી ગઇ હતી. પ્રારંભે તો બંનેએ ચુપકે-ચુપકે પ્રેમના રસ્તે આગળ વધવાનું શરૂ કર્યુ હતું. પ્રકાશે પ્રેમની એવી મોહજાળ ફેલાવી કે નમ્રતાને તેના સિવાય કંઇ દેખાયુ જ નહિ અને પરિવારજનોની ઇચ્છા વિરૂધ્ધ ઘરેથી નીકળી જઇ ત્રણ વર્ષ પહેલા પ્રકાશ સાથે લવમેરેજ કરી લીધા હતાં.  પણ જેના માટે બધાને છોડ્યા એ પ્રકાશે પ્રેમલગ્ન બાદ પ્રેમ વરસાવવાને બદલે નકરો ત્રાસ વરતાવવાનું શરૂ કરી દેતાં નમ્રતાને પછતાવાનો પાર નહોતો રહ્યો. પતિ પ્રકાશે હવે તો દારૂ ઢીંચીને ગમે ત્યારે મારકુટ અને ઝઘડા શરૂ કરી દીધા હતાં. તે બરાબર કમાતો ન હોઇ પોતે મોલમાં નોકરીએ જવા માંડી હતી. પરંતુ નશાખોર પતિ નોકરીના સ્થળે આવીને પણ માથાકુટ કરી ગયો હતો અને નોકરી છોડાવી દીધી હતી. તેણીને માવતરના ઘરે જવાની પણ મનાઇ કરી દીધી હતી. છેલ્લા છ-સાત મહિનાથી જ નમ્રતા માતા-પિતાના ઘરે આવતી જતી થઇ હતી. ત્યારે તેણે પ્રકાશના ત્રાસની વાત પણ માવતરને જણાવી હતી.

ત્રાસ અનહદ થઇ પડતાં છેલ્લે આજથી વીસ-પચ્ચીસ દિવસ પહેલા નમ્રતાએ અત્યંત દુઃખી હૃદય સાથે માતાને ફોન કરી પ્રકાશ ખુબ ત્રાસ આપતો હોવાનું અને પોતે ઘર મુકીને જઇ રહ્યાનું કહેતાં તે માતા અને માસી સુરત બીજા બહેનની ખબર કાઢવા ગયા હોઇ  નમ્રતાને સમજાવીને સુરત બોલાવી લીધી હતી. ચાર પાંચ દિવસ ત્યાં રોકાયા બાદ રાજકોટ પરત આવી અઠવાડીયાથી નવલનગરમાં માતા-પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી . નમ્રતાને એમ હતું કે અમુક દિવસો પછી પતિ સુધરી જશે...ને પોતાનો સંસાર ફરીથી કદાચ પાટે ચડી જશે. પરંતુ કોઇએ કલ્પના પણ કરી ન હોય એ રીતે શનિવારે એટલે કે ૨૩મીએ સાંજે પ્રકાશે પોત પ્રકાશ્યું હતું અને સાસુ-સસરાની ઘરે જઇ પત્નિ નમ્રતાને 'હું તને તેડાવ આવ્યો છું, ચાલ ઘરે' તેમ કહેતાં નમ્રતાએ 'મારા મોટા ભાઇ બહારગામ છે અને પિતા પણ દુકાને એકલા છે, તમે આવતીકાલે મારા ભાઇ અને પપ્પાની સાથે વાતચીત કરો પછી જ હું તમારી સાથે આવીશ' તેમ કહતાં જ પ્રકાશ ઉશ્કેરાયો હતો અને 'તું સાથે નહિ આવ તો આજે મારી જ નાંખીશ' કહી નમ્રતાને ધક્કો મારી રસોડામાં પછાડી દઇ છરીથી આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. સાસુ મીનાબેન વચ્ચે આવતાં તેને પણ બે ઘા મારી દીધા હતાં અને છરી લઇ ભાગી ગયો હતો...અને ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલી પ્રેમકહાનીનો પત્નિના કરૂણ મોત સાથે અંત આવ્યો હતો, એ મોત આપનાર બીજુ કોઇ નહિ ખુદ પતિ જ હતો!

હાલ પોલીસના સકંજામાં રહેલા પ્રકાશ પરમારને પત્નિની હત્યાનો કોઇ અફસોસ નથી. એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી અને અરૂણભાઇએ તેની વિશીષ્ટ ઢબે પુછતાછ કરી છરી, બાઇક તથા લોહીવાળા કપડા કબ્જે કરવા કાર્યવાહી કરી હતી. 

(3:48 pm IST)