રાજકોટ
News of Monday, 25th June 2018

શિક્ષણ માફિયાઓ સામે મેદાને જંગઃ બુધવારથી NSUI-યુથ કોંગ્રેસ હલ્લાબોલ કરશે

સરકાર બેફામ ફી વસુલતી શાળાઓ સામે પગલા લેવામાં લાચારઃ ફી નિર્ધારણ સમિતિ, ડી.ઈ.ઓ., શાળાઓને તાળાબંધીના આંદોલનાત્મક કાર્યક્રમો તબક્કાવાર થશેઃ પત્રકાર પરિષદમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, મુકેશ ચાવડા, રાજદીપસિંહ અને આદિત્યસિંહ ગોહિલે સૌરાષ્ટ્રમાં 'ફી' વધારા સામે શરૂ થનાર આંદોલનની વિગતો રજૂ કરી: કોઈ સ્કૂલ વધારે ફી વસુલતી હોય અથવા 'ફી' માટે વિદ્યાર્થીઓને હેરાન કરતી હોય તો હેલ્પલાઈન નં.: ૯૬૨૪૦૦૦૦૭૩ ઉપર ફોન કરોઃ એનએસયુઆઈ હલ્લો બોલાવશે

હલ્લાબોલ માટે તૈયારઃ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદેદારોએ આજે બેફામ ફી વસુલતી શાળાઓ સામે આંદોલન અને હલ્લાબોલ કરવાની જાહેરાત પત્રકાર પરિષદમાં કરી હતી તે વખતની તસ્વીરમાં યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ, આદિત્યસિંહ, હરપાલસિંહ વગેરે અગ્રણીઓ દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ :. રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો અમલી બનાવાયો છે આમ છતાં રાજ્યમાં શાળાઓ દ્વારા બેફામ ફી વધારો થઈ રહ્યો છે ત્યારે આવા શિક્ષણ માફિયાઓ સામે ફી નિર્ધારણ કાયદાની અમલવારી માટે એનએસયુઆઈ તથા યુથ કોંગ્રેસ દ્વારા સરકાર સામે તથા બેફામ ફી વસુલતી શાળાઓ સામે બુધવારથી ઉગ્ર આંદોલનો કરી તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે. તેમ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તથા રાજકોટના રાજદીપસિંહ, મુકેશભાઈ ચાવડા અને આદિત્યસિંહ ગોહિલે જાહેર કર્યુ હતુ અને આગામી બુધવારથી જ આ આંદોલનો શરૂ થશે જેને તબક્કાવાર વધુ ઉગ્ર બનાવીને રાજ્યપાલ સુધી રજૂઆત કરાશે તેમ આ અગ્રણીઓએ જણાવ્યુ હતું.

આ અંગે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપતા ગુલાબસિંહ રાજપૂત, મુકેશભાઈ ચાવડા તથા રાજદીપસિંહ અને આદિત્યસિંહે જણાવ્યુ હતું કે ૧૨/૦૪/૨૦૧૭ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ફી વિધેયક પસાર કરવામાં આવ્યું અને તા. ૨૫/૦૪/૧૭ નિયમો નક્કી કર્યા, તથા ૦૮/૦૮/૨૦૧૭ આ તમામ મહીતી ગુજરાતી ભાષામાં પ્રસારિત કરવામાં આવી ત્યારબાદ ૦૮/૦૮/૨૦૧૮ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ થયો કે સરકાર ૪ અઠવાડિયામાં માર્ગદર્શિકા જાહેર કરે ત્યારબાદ૨૮/૦૨/૨૦૧૮ ના રોજ જો સ્કુલવાળાએ સરકારે નક્કી કરેલ ફી કરતા વધારે ફી લેવી હોય તો ફી રેગ્યુલેશન સમિતી(એફઆરસી) માંથી મંજુરી લેવી તેવો નિર્ણય જાહેર કર્યો,  ૦૧/૦૩/૨૦૧૮ ના રોજ માર્ગદર્શિકા બહાર પડી અને ૨૫/૦૪/૨૦૧૮ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જુલાઇના બિજા સપ્તાહમાં વધારાની ફી ની ફોર્મૂલા સરકાર અને શાળા સંચાલકો વાલી-મંડળો સાથે મળીને નક્કી કરે તેવું માર્ગદર્શન અપાયું પરંતુ આમ છતાં આજની તારીખે રાજકોટ શહેર ની ખ્યાતનામ શાળાઓ ને સરકાર ના નિયમો મુજબનો અમલ કરતી નથી જેમાં એસ.એન.કે. સ્કુલ, મોદી સ્કુલ,સર્વોદય સ્કૂલ, ધોળકીયા સ્કુલ, પાઠક સ્કુલ, પી. એન્ડ બી. સ્કુલ, હોલી સેંટ સ્કૂલ, ડી.પી.એસ. સ્કુલ, પ્રીમીયર સાયન્સ સ્કુલ, નચીકેેતા સ્કુલ, એસ.ઓ.એસ. સ્કુલ, ઉત્કર્ષ સ્કુલ, આત્મીય સ્કુલ, ભરાડ સ્કુલ, માસુમ સ્કુલ, શકિત સ્કુલ, વેસ્ટ વૂડ સ્કુલ, મહાત્માગાંધી સ્કુલ, ન્યુ એરા સ્કુલ વગેરેનો સમાવેશ થાય છે તેવો આક્ષેપ ઉપરોકત કોંગી આગેવાનોએ કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવેલ કે, આ સ્કૂલ સિવાય સૌરાષ્ટ્રની ૭૦ થી ૮૦ ટકા સ્કૂલવાળાઓ આ નિયમોને અનુસરતા નથી ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત યુવક કોંગ્રેસ અને ગુજરાત એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્રભરમાં તમામ જિલ્લા મથકોએ આવેદનપત્ર, સ્કૂલ પર હલ્લાબોલ કરી ડીઈઓ ઓફિસનો ઘેરાવ અને તાળાબંધીના કાર્યક્રમો આપી આ લડાઈથી સરકાર જાગે અને વાલીઓને ન્યાય મળે તેવુ આયોજન છે.

આ માટે ફી રેગ્યુલેશન સમિતિને રજૂઆત કરવી અને ગુજરાતના રાજ્યપાલશ્રીને રજૂઆત કરવી વગેરે આંદોલનાત્મક કાર્યક્રમો થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, મુકેશ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ અને યુથ કોંગ્રેસના હરપાલસિંહ જાડેજા તેમજ એનએસયુઆઈના સર્વે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ફી નિર્ધારણના કાયદા અંગે ખાનગી શાળાઓના સંચાલકોનો સૂર

ફી નિયમનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. સૂપ્રિમ કોર્ટે તાકીદ કરી છે કે રાજય સરકાર અને ખાનગી શાળાઓના સંચાલકો  ને મળી વિસ્તૃત ચર્ચા કરી ઇતર પ્રવૃતિ અને ફંડ વિશે નિર્ણય કરી આગામી મુદતની રજુઆત કરી

સરકાર ધારે તો... બે દિવસમાં શિક્ષણના હાટડા સમાન સ્કૂલો બંધ કરાવી શકે

રાજકોટઃ 'ફી' વધારા સામે આંદોલન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના સેનેટ સભ્ય રાજદિપસિંહે શિક્ષણ માફિયાઓ સામે સરકાર લાચાર હોવાના આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, 'રાજ્ય સરકાર ધારે તો રાજકોટની ૪ થી ૫ શાળાઓ કે જે તદ્દન નિયમ વિરૂદ્ધ એટલે કે મેદાન નહીં હોવું, નિયમ વિરૂદ્ધ બાંધકામો  વગેરે સામે પગલા લઈ અને બે દિવસમાં જ આવી શિક્ષણના હાટડા સમાન શાળાઓ બંધ કરાવી શકે પરંતુ સરકારે હજુ સુધી આવા પગલા લીધા નથી તે તેની લાચારી દર્શાય છે.

(3:38 pm IST)