રાજકોટ
News of Monday, 25th May 2020

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે શું પગલા લેવાયા? શહેર કોંગ્રેસે પાંચ મુદ્દે માહિતી માંગીઃ તબિબી અધિક્ષક અને કોવિડ-૧૯ના તબિબો તેમજ સ્ટાફનું સન્માન કર્યુ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બે દિવસ ૨૫ અને ૨૬ મેના રોજ દરેક જીલ્લામાં કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ સિવિલ હોસ્પિટલોની મુલાકાત લઇ  છેલ્લા ત્રણ મહિનામાં કોવિડ-૧૯ વિભાગમાં કોરોનાના કેટલા દર્દીઓની સારવાર થઇ અને કેવા પગલા લેવાયા તેની માહિતી મેળવવા સુચન કર્યુ હોઇ તે અંતર્ગત આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેર કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતાં. તેમણે અલગ-અલગ પાંચ મુદ્દાની માહિતી માંગી હતી.

જેમાં (૧) સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેટલા દર્દીઓ દાખલ થયા છે, કેટલા દર્દીઓ સાજા થતાં રજા અપાઇ, હાલ કેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને કોરોનાને કારણે કેટલા મૃત્યુ પામ્યા તેની માહિતી આપવી (૨) સિવિલ હોસ્પિટલમાં જરૂરી મહેકમ પ્રમાણે કેટલા ડોકટર્સની જગ્યા છે, કેટલા ડોકટર્સ ઉપલબ્ધ છે તેમજ નર્સ અને સ્ટાફની કેટલી જગ્યા છે? કેટલી ઉપલબ્ધતા છે તેની માહિતી આપવી. (૩) સિવિલમાં કેટલા કવોરન્ટાઇન અને આઇસોલેટ બેડ છેે, કેટલા વેન્ટીલેટર્સ છે, કેટલા ધમણ છે? જરૂરી દવાનો જથ્થો છે કે કેમ, કેટલો ચાલે તેમ છે તેની માહિતી. (૪) સિવિલમાં કાર્યરત ડોકટર્સથી લઇને વોચમેન સુધી તમામ કોરોના વોરિયર્સને જરૂરી જીવન રક્ષક પીપીઇ કીટ, માસ્ક, ગોગલ્સ, સેનીટાઇઝર્સ તથા અન્ય વસ્તુઓ કેટલા પ્રમાણમાં ઉપયોગી છે તેની માહિતી તથા (૫) ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી કોવિડ-૧૯ સામેની લડત માટે જે ગ્રાન્ટ ફાળવાઇ તેમાંથી કેટલી રકમનો કેવી રીતે ઉપયોગ થયો છે? તેની માહિતીનો સમાવેશ થાય છે.

માહિતી માંગવા ઉપરાંત આગેવાનોએ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તથા કોવિડ-૧૯ હોસ્પિટલના તબિબો અને તમામ સ્ટાફને ફુલહાર કરી તેઓનો જુસ્સો વધાર્યો હતો. તેમજ કોરોના વોરીયર્સ તરીકે સતત લડાઇ લડવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, પૂર્વ પ્રમુખ ડો. હેમાંગ વસાવડા, પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, દિનેશ ચોવટીયા, દિનેશ મકવાણા, પ્રવિણ સોરાણી સહિતના જોડાયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:28 pm IST)