રાજકોટ
News of Saturday, 25th May 2019

બુધવારે બપોરે કેટરર્સમાં કામે જવા નીકળેલી યુવતિ ગૂમ થયા બાદ કાલે રાત્રે મળી આવી!

મહિલા પોલીસ મથકે પહોંચેલી દેવીપૂજક યુવતિએ ગોળગોળ વાતો કરી પોલીસ અને પરિવારજનોને ધંધે લગાડ્યાઃ ગોંડલ જતી રહ્યાનું અને ત્યાંથી ચાલીને આવ્યાનું રટણ

રાજકોટ તા. ૨૫: લક્ષ્મીનગર નાલા પાસે રહેતી અને કેટરર્સમાં કામ કરતી ૧૮ વર્ષની યુવતિ બુધવારે બપોરે કેટરર્સના કોન્ટ્રાકટમાં એક મહિલા સાથે કામે ગયા બાદ ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને ગુરૂવારે પોલીસને જાણ કરી હતી. બે રાત સુધી ગૂમ રહેલી આ યુવતિ ગઇકાલે રાત્રે મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પોતે ગોંડલ પહોંચી ગયાનું અને કોઇપણ કારણોસર ભાન ભુલી ગયાનું રટણ કરતાં પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા હતાં અને ત્યાંથી તેણીને એ-ડિવીઝન પોલીસ મથકે લઇ જવાયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

કોમલ જીણાભાઇ વાઘેલા (ઉ.૧૮) નામની યુવતિના પિતા જીણાભાઇએ જણાવ્યું હતું કે મારી બે દિકરીઓ કોમલ અને  કિરણ બંને બુધવારે બપોરે બાલાજી હોલ પાસે રહેતાં ભારતીબેન સાથે કેટરર્સનું કામ કરવા ગઇ હતી. બપોર બાદ નાની દિકરીને ભારતીબેન ઘરે મુકી ગયા હતાં અને મોટી કોમલને બીજા કામ માટે સાથે લઇ ગયા હતાં. જો કે કોમલ મોડી રાત સુધી પાછી ઘરે ન આવતાં અમે શોધખોળ શરૂ કરી હતી. ગુરૂવારે સવારે પહેલા માલવીયાનગર પોલીસ મથકે અને ત્યાંથી હદ એ-ડિવીઝનની હોવાનું કહેતાં ત્યાં પહોંચી અમે કોમલ ગૂમ થયાની જાણ કરી હતી.

એ પછી ગઇકાલે શુક્રવારે રાત્રે કોમલ મહિલા પોલીસ મથકે પહોંચ્યાનું અને ત્યાંથી એ-ડિવીઝન લઇ જવાનું કહેવાતાં અમે ત્યાં ગયા હતાં. કોમલે પોતે કેટરર્સના કામના સ્થળેથી ગોંડલ જતી રહી હોવાની અને બાદમાં ગઇરાતે ત્યાંથી ચાલતા-ચાલતાં રાજકોટ આવ્યાની અને મહિલા પોલીસ મથકે પહોંચ્યાનું રટણ કર્યુ હતું.   તેની ગોળ ગોળ અને શંકાસ્પદ વાતોથી પરિવારજનો અને પોલીસ ગોટે ચડ્યા હતાં. પોતાને ચક્કર આવતાં હોવાની ફરિયાદ કરતાં સારવાર માટે દાખલ કરાઇ હતી. કોમલે પોતે બે રાત સુધી ખરેખર કયાં હતી? તેની વિગતો જણાવી નહોતી. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:34 pm IST)