રાજકોટ
News of Saturday, 25th May 2019

સુરતની આગ દુર્ઘટના બાદ તંત્ર હવે તો જાગે

મ્યુ. કોર્પોરેશનનાં કોમ્યુનીટી હોલ-શાળાઓમાં જ ફાયર સેફટીના સાધનો નથીઃ કોંગ્રેસનો આક્રોશ

વોર્ડ નં. ૧૩ માં આવેલ કોમ્યુનીટી હોલ તથા શાળા નં. ૬૯માં ફાયર સેફટીની વ્યવસ્થા નહી હોવાની રજુઆત : કોંગી કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઇ ડાંગરે ૬ મહીના અગાઉ કરેલી છતા હજુ કોઇ વ્યવસ્થા નથી

કોર્પોરેશનનાં કોમ્પલેક્ષમાં ધમધમતાં ગેરકાયદે કોચીંગ કલાસીસઃ વોર્ડ નં. ૧૩માં કોર્પોરેશનનાં કોમ્પલેક્ષ સહીત અનેક સ્થળે ફાયર સેફટી વગરનાં કોચીંગ કલાસ ચાલુ છે તે અંગે ફોટોગ્રાફ સહીત કોંગી કોર્પોરેટર જાગૃતીબેને રજુઆત કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ તા. રપ :.. ગઇકાલે સુરતમાં કોચીંગ કલાસીસમાં સર્જાયેલ આગ દુર્ઘટનામાં મ્યુ. કોર્પોરેશન તંત્રની બેદરકારી  બહાર આવી છે. ત્યારે રાજકોટમાં પણ વોર્ડ નં. ૧૩ માં ખુદ કોર્પોરેશનનાં કોમ્યુનીટી હોલ અને શાળાઓમાં ફાયર સેફટીનાં સાધનો નહી હોવાનું અને આ બાબતે તંત્ર વહેલી તકે જાગે તેવી રજૂઆત કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જાગૃતિબેને આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, વોર્ડ નં. ૧૩ માં આવેલ ગુરૂપ્રસાદ અને સ્વામીનારાયણ ચોક અને માયાણી ચોકમાં ગેરકાયદેસર ચાલતા અંદાજે ૩૦ થી ૪૦ કલાસીસ અમારા વોર્ડમાં ધમધમી રહ્યા છે. તંત્રની અને ફાયર  બ્રીગેડનીઘોર બેદરકારી સામે આવી છે, ગઇકાલની સુરતની જે દુઃખદ ઘટના બની એ સંદર્ભમાં ૬ મહીના અગાઉ કમી. ને લેખીત રજૂઆત કરેલઅને ખાતરી આપવામાં આવેલ અને ફાયર બ્રિગેડને સુચના પણ આપેલી છતાં આજ દિન સુધી ફાયર બ્રીગેડના સાધનો મુકવામાં આવેલ નથી. અને આજે પણ ફાયરની વ્યવસ્થાના નામે શુન્ય છે. આવી દુઘર્ટનાઓ  વારંવાર બને છે. પરંતુ તંત્ર દ્વારા કોઇપણ પગલા લેવામાં આવતા નથી.

એટલુ જ નહીં ગુરૂપ્રસાદ ચોકનું બિલ્ડીંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ છે. અને તેમાં દુકાનોની અંદર કલાસીસો ચલાવવામાં આવી રહ્યા છે. સાત સાત દુકાનોની દિવાલો પાડી અંદર મોટા હોલ બનાવી ગેરકાયદેસર રીતે તંત્રની નજર હેઠળ આ કલાસીસ ચાલી રહ્યા છે. નિયમો આધારિત સ્થાનિક દુકાનદારોનું એવું કહેવું છે કે આ બિલ્ડીંગની અંદર ૭ કલાસીસ ચાલે છે. અને આ તમામ નિયમો વિરૂધ્ધ છોે.

રજુઆતમાં અંતે જાગૃતિબેને  જણાવ્યું છે કે મનપા જયારે સમગ્ર રાજકોટની અંદર ફાયરના એન.ઓ.સી. આપે છે ત્યાં ખરેખર જોવા જતા હોય તો આવા સર્ટીફીકેટ બિલ્ડરોને મળવા ન જોઇએ. છતાં કેમ મળે છે. એ એક આશ્ચર્ય છે.

(3:25 pm IST)