રાજકોટ
News of Saturday, 25th May 2019

સરધારના લોધીડામાં વિજકરંટથી ભરવાડ પરિણીતા દિયાબેનનું મોત

રાજકોટ તા. ૨૫: સરધાર તાબેના લોધીડા ગામમાં વિજકરંટથી ભરવાડ પરિણીતાનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

લોધીડા ગામે રહેતાં દિયાબેન વેલાભાઇ શિયાળ (ઉ.૩૫) નામના ભરવાડ પરિણીતા સવારે ઘરે પાણીના બોરની મોટર ચાલુ કરવા જતાં વિજકરંટ લાગતાં બેભાન થઇ ગયા હતાં. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્રી છે. જે મા વિહોણી થઇ ગઇ છે. પતિ વેલાભાઇ પશુપાલનનું કામ કરે છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં મનસુખભાઇ ખાંટ  અને દિપકભાઇ ચાવડાના મોત

અન્ય બનાવોમાં નાના મવા રોડ પર સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી-૪માં રહેતાં મનસુખભાઇ ગોરધનભાઇ ખાંટ (પટેલ) (ઉ.૬૫) નામના વૃધ્ધ મેટોડા જીઆઇડીસી ગેઇટ-૨માં પોતાના ગિરીરાજ બ્રાઇટ સ્ટીલ નામના કારખાનામાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

જ્યારે થોરાળા ગોકુલપરા-૩માં રહેતો દિપકભાઇ અશોકભાઇ ચાવડા (ઉ.૩૦) ઘરે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:20 pm IST)