રાજકોટ
News of Saturday, 25th May 2019

ચોરીના બનાવ સંદર્ભે પોલીસે પુછતાછ કરતા ચોકીદારે ઝેર પીધું

જોડીયાના પીઠડ ગામના જસમતભાઇ પટેલને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૨૫: જોડીયાના પીઠડ ગામે રહેતાં અને ટંકારા પાસે થોરીયાળીના પાટીયે આવેલી બંધ પડેલી આઇકૃપા કોટન જીનીંગ મીલમાં દોઢ-બે માસથી ચોકીદાર તરીકે નોકરી કરતાં જસમતભાઇ પોપટભાઇ હોથી (કડવા પટેલ) (ઉ.૫૫) નામના પ્રોૈઢ ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

જસમતભાઇના પુત્ર સાગરભાઇના કહેવા મુજબ તેના પિતા જ્યાં ચોકીદારી કરે છે તે મીલમાંથી જુની મોટરોની ચોરી થઇ હતી. આ બાબતે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પિતા જસમતભાઇને પોલીસે પુછતાછ માટે બોલાવ્યા હતાં. આ કારણે તે ગભરાઇ ગયા હતાં અને ઝેરી દવા પી લીધી હતી. રાજકોટ સારવાર હેઠળ હોઇ ચોકીના સ્ટાફે ટંકારા જાણ કરી હતી.

(11:51 am IST)