રાજકોટ
News of Saturday, 25th May 2019

સોમવારથી આચારસંહિતા પૂર્ણ : ડીમોલીશન સહિતની કામગીરીનો થશે ધમધમાટ

મેયર બીનાબેન આચાર્યએ અધિકારીઓની રિવ્યુ બેઠક યોજીઃ લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા હવે વોટર વર્કસ, આવાસ યોજનાઓ-બ્રીજ સહિતના અટકી પડેલા કામો પૂર્ણ કરવા તાકીદ કરાઇ હતી

રાજકોટ, તા. ર૪ : લોકસભા ચૂંટણીનું પરિણામ ગઇકાલે જાહેર થઇ ગયું છે. આથી હવે ચૂંટણી પંચના જાહેરનામા મુજબ આગામી તા. ર૭મીએ એટલે કે સોમવારે ચૂંટણીની આદર્શ આચારસ઼હિતા પૂર્ણ થશે, આથી સોમવાર બાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ડીમોલીશન સહિતની અટકી પડેલી કામગીરીનો ધમધમાટ શરૂ થશે. આ પૂર્વે આજે મેયર બીનાબેન આચાર્યએ આજે અધિકારીઓની રિવ્યુ બેઠક યોજી હતી અને વિવિધ પેન્ડીંગ રહેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

આ અંગે સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ આગામી તા. ર૭ને સોમવારથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થઇ રહી છે, આથી હવે સોમવાર બાદ મ્યુ. કોર્પોરેશનની નવી આવાસ યોજનાઓ, નવા બ્રિજ, પાણીની પાઇપલાઇનો, ડ્રેનેજ પાઇપ લાઇનો વગેરેના અટકી પડેલા કામો તાકીદે શરૂ કરવા માટે મેયર બીનાબેન આચાર્યએ આજે વોટર વર્કસ, આવાસ યોજનાના બાંધકામ વગેરે વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી જરૂરી સુચનો કર્યા હતાં.

આ બેઠકમાં મેયર ઉપરાંત ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નોંધનીય છે કે આચારસંહિતાને કારણે શહેરમાં ગેરકાયદે બાંધકામોના ડીમોલીશનની કામગીરી અટકી પણ હતી જેથી હવે સોમવાર બાદ ડિમોલીશનની કાર્યવાહી પણ શરૂ થઇ જશે.

(3:44 pm IST)