રાજકોટ
News of Friday, 25th May 2018

પરીણિતા અને સગીર સંતાનને ભરણ પોષણ ચુકવવા ફેમીલી કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૨૫ :. અરજદારે કરેલ ભરણ પોષણના કેસમાં વચગાળાના ભરણપોષણ પેટે માસીક રૂ. ૭૦૦૦ ચુકવી આપવા પતિને ફેમીલી કોર્ટે હુકમ કરેલ હતો.

અરજીની ટૂંક વિગત એવી છે કે, આ કામના અરજદાર મનીષાબેન રણજીતસિંહ જાદવ રહે. રાજકોટવાળાએ આ કામના સામાવાળા રણજીતસિંહ બહાદુરસિંહ જાદવ (પતિ) રહે. જામકંડોરણાવાળા વિરૂદ્ધ સી.આર.પી.સી. એકટની કલમ ૧૨૫ નીચે ભરણપોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત રાજકોટ ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી. કેસની વિગત એવી છે કે, આ કામના અરજદાર તથા સામાવાળાના લગ્ન ૧૭-૨-૨૦૦૭ના રોજ રાજકોટ મુકામે થયેલા અને સહલગ્નજીવન વિતાવવાની શરૂઆત જામકંડોરણા મુકામે સામાવાળા સાથે સંયુકત કુટુંબમાં કરેલી. બન્નેના સહલગ્નજીવનથી પુત્ર હરદેવસિંહનો જન્મ થયેલ હતો. જે હાલ અરજદાર પાસે છે. લગ્નજીવનના થોડા સમય બાદ સામાવાળા દ્વારા અરજદારને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બન્નેના કુટુંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ હોવા છતા સામાવાળાઓના વાણી, વર્તન, વ્યવહારમા કોઈ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદાર તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલ હતા.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ અરજી અન્વયે રેકર્ડ પર આવેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો કરીને અરજદાર તથા સગીર સંતાનને ભરણપોષણ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવા રજુઆતો કરવામાં આવેલ હતી. આમ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના ફેમીલી કોર્ટના જજશ્રીએ અરજદારની અરજી મંજુર કરી વચગાળાના ભરણપોષણ પેટે અરજદાર નં. ૧ ને માસિક રકમ રૂ. ૫૦૦૦ તથા સગીર સંતાન હરદેવસિંહને રૂ. ૨૦૦૦ મળી કુલ રૂ. ૭૦૦૦ મુળ અરજીની તારીખ ૨૧-૧૨-૧૭ થી નિયમીત સામાવાળા પતિએ ચુકવવા તેમજ ચડત રકમ એક માસમાં અરજદારને ચુકવી આપવી તેવી હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર મનીષાબેન રણજીતસિંહ જાદવ વતી રાજકોટના પી એન્ડ આર લો ચેમ્બરના વિદ્વાન એડવોકેટ અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજ્યગુરૂ, કેતન જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, અમીત વી. ગડારા, રીતેષ ટોપીયા, મૃગ પરેશ, મોહીત રવીયા વિગેરે રોકાયેલ હતા.

(4:21 pm IST)