રાજકોટ
News of Friday, 25th May 2018

કોઠારીયાના વછરાજનગરમાં ડિમોલીશન વખતે ભીલ મહિલાને પોલીસે માર માર્યો

મકાન પાડી નંખાયું હોઇ સામાન લેવા જતાં માર માર્યાનું કથન

રાજકોટ તા. ૨૫: કોઠારીયાના રણુજા મંદિર પાસે વછરાજનગરમાં વોંકળા પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે મ્યુ. કોર્પોરેશન દ્વારા વિજીલન્સ પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી. જેમાં એક ભીલ મહિલા કંકુબેન મુન્નાભાઇ ચોૈહાણ (ઉ.૨૫) પોતાને પોલીસે માર માર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખઇ થઇ હતી.

કંકુબેનના પતિ મુન્નાભાઇ ટ્રેકટરના ફેરા કરે છે. તેણે જણાવ્યું હતું કે અમે પચ્ચીસ વર્ષથી અહિ રહીએ છીએ. સો જેટલા મકાન ધારકોને નોટીસો મળી હતી. પણ આજે માત્ર અમારું અને પિત્રાઇ ભાઇ સોમાભાઇનું મકાન જ પાડવામાં આવ્યું હતું. મારા પત્નિ બાકી રહી ગયેલો સામાન લેવા ઘરમાં જતાં પોલીસે લાઠીચાર્જ કરી માર મારતાં તેણીને માથામાં ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલના રજીસ્ટરમાં અજાણ્યા પોલીસમેને ઇંટ ફટકાર્યાની નોંધ થઇ હતી. આ અંગે આજીડેમ પોલીસમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.

વિજીલન્સ કહે છે-લાઠીચાર્જ કર્યો જ નથી

દરમિયાન વિજીલન્સ સુત્રોના કહેવા મુજબ વોંકળા અંદર બનાવાયેલો ગેરકાયદેસર ઇંટોનો ભઠ્ઠો તોડી પાડવામાં આવતાં મહિલાના પુત્રએ ઉશ્કેરાઇ જઇ ઇંટોના ઘા કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં એક ઇંટ તેના માતાને જ લાગી ગઇ હતી. અમારા તરફથી કોઇ લાઠી ચાર્જ કરવામાં આવ્યો નથી. (૧૪.૮)

(4:00 pm IST)