રાજકોટ
News of Friday, 25th May 2018

લીલાખાના હડિયા પરિવારની દિલદારી

કોમામાં સરી ગયેલ યુવાન પુત્ર હાર્દિકના અંગદાનથી ૭ વ્યકિતઓને નવજીવન આપ્યુ

૧ લીવરના ૨ ભાગથી ૨ વ્યકિત, ૨ કિડનીથી ૨ વ્યકિત, ૨ ચક્ષુદાનથી ૨ વ્યકિત, ૧ સ્વાદુ પીંડથી ૧ વ્યકિતમળી કુલ ૭ વ્યકિતઓને નવજીવન મળશેઃ વોકહાર્ટ હોસ્પીટલના ડોકટરોની ટીમ દ્વારા અંગદાન સ્વીકારવા કાર્યવાહીઃ મુંજકાના સરપંચ જયેશભાઈ જાદવ તથા કમલેશ ઢોલાની સમજાવટથી આહીર સમાજમાં પ્રેરણાદાયક અંગદાન સંપન્ન

રાજકોટ, તા. ૨૫ :. ગોંડલ તાલુકાના અને ભાદર ડેમ પાસે આવેલ લીલાખા ગામના હડિયા પરિવારનો યુવાન પુત્ર હાર્દિક પાંચ દિવસ અગાઉ શાપર વેરાવળ ખાતે સર્જાયેલ અકસ્માતમાં કોમામાં સરી ગયેલ. આથી પરિવારજનોને ભારે હૃદયે તેના યુવાન પુત્રના અંગોનું દાન કરવાનો પ્રેરણાદાયક નિર્ણય લેતા આ અંગદાન થકી ૭ - ૭ વ્યકિતઓને નવજીવન પ્રાપ્ત થશે.

આ અંગે રાજકોટના મુંજકા ગામના સરપંચ જયેશ જાદવે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ભાદર ડેમ નજીક લીલાખા ગામે રહેતા અને એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી શાપર-વેરાવળ ખાતે કારખાનામાં નોકરી કરતા ૨૪ વર્ષનાં યુવાન હાર્દિક જેરામભાઈ હડિયા પાંચ દિવસ અગાઉ શાપર ખાતે ઉભા હતા તે વખતે રોડ પર ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકમાં રહેલ ગેસ સીલીન્ડર ઉછળી અને હાર્દિકને માથામા લાગતા તે કોમામાં સરી ગયેલ.

આ યુવાનને વોકહાર્ટ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલ. આ દરમિયાન મુંજકાનાં સરપંચ જયેશ જાદવ તથા હડિયા પરિવારનાં સબંધી કમલેશ ઢોલાએ હડિયા પરિવારને તેઓના યુવાન પુત્રના અંગદાનથી અન્ય વ્યકિતઓને નવજીવન મળી શકશે તેવુ સમજાવતા ભારે હૃદયે હાર્દિકના પરિવારજનોએ આ અંગદાન માટે સંમતિ આપી અને અન્યો માટે પ્રેરણાદાયક કહી શકાય તેવુ કાર્યકારી આહિર સમાજનું ગૌરવ વધાર્યુ હતું.

નોંધનીય છે કે, હાર્દિકના અંગદાનમાં ૧ લીવર બે ભાગથી ૨ વ્યકિતને તથા બે કિડનીથી બે વ્યકિતને તેમજ બે આંખથી બે વ્યકિતને અને ૧ સ્વાદુપીંડથી ૧ વ્યકિતને એમ કુલ ૭ વ્યકિતઓને નવજીવન મળશે.

ઉપરોકત અંગદાન સ્વીકારવા માટે વોકહાર્ટ હોસ્પીટલ દ્વારા નિષ્ણાંત ડોકટરોની પેનલની વ્યવસ્થા કરાઈ હતી.

હૃદય માટે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાયેલ પરંતુ ટ્રાન્સપ્લાન્ટ કેન્સલ થયુ

રાજકોટ :. નોંધનીય છે કે કોમામા સરી ગયેલ હાર્દિકના અંગદાનના નિર્ણય બાદ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે રાત્રે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એરલીફટ અને વોકહાર્ટથી એરપોર્ટ સુધી ગ્રીનકોરીડોરની વ્યવસ્થા કરાઈ હતી પરંતુ કમનસીબે સામેના દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ શકય ન હોય ગ્રીનકોરીડોર રદ કરાયાનું મુંજકાના સરપંચ જયેશભાઈ જાદવે જણાવેલ.

લીલાખા ગામે શોક છવાયો

લીલાખાના આહીર યુવાન હાર્દિક હડિયા બે ભાઈઓના પરિવારમાં નાના હતા અને એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કરી રાજકોટ શાપર ખાતે નોકરી કરી રહ્યા હતા. ચાર દિવસ પહેલા તેઓ શાપર પાસે ઉભા હતા ત્યારે અચાનક સિલેન્ડર ટ્રકનો અકસ્માત થતા એક સિલિન્ડર ઉડીને હાર્દિકના માથા પર લાગતા તે કોમામાં ચાલ્યા ગયા હતા અને અકસ્માતની ઘટના અંગે લીલાખા ગામના આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યુ હતુ કે અત્યંત મિલનસાર સ્વભાવના હાર્દિક હડિયાનો અકસ્માત થતા સમગ્ર ગામમાં દુઃખનો માહોલ છવાયો હતો અને વોકહાર્ટ હોસ્પીટલ ખાતે ગામના સરપંચ ધર્મેશભાઈ ધામેલીયા, વિહાભાઈ હડિયા તેમજ ગ્રામજનો સતત ખડેપગે રહ્યા હતા.

(12:46 pm IST)