રાજકોટ
News of Thursday, 25th April 2019

ગોંડલ રોડના પરિન ફર્નિચર નજીકની ગલીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ કાન પાછળ ઇજા

પડી જવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટઃ મૃતકના વાલીવારસને શોધતી તાલુકા પોલીસ

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાસેથી અજાણ્યા યુવાનની  લાશ મળી આવતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવાનને કાનના પાછળના ભાગે ઇજાનું નિશાન છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પડી જવાથી ઇજા થયાનું પ્રાથમિક તારણ દર્શાવાયું છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ  પર રાત્રીના નવેક વાગ્યે અજાણ્યા આશરે ૨૫ વર્ષના યુવાનની લાશ પરિન ફર્નિચર વાળી ગલીમાં પડી હોવાની જાણ ૧૦૮ મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ પીએસઆઇ ડી. જે. કડછાએ જાણ કરતાં તાલુકાના પીઆઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, દલભાઇ તેમજ ડી. સ્ટાફની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. કાન પાછળ ઇજા હોઇ તે પડી જવાથી થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.

મૃતક યુવાને લાલ-પીળા-બ્લુ ચેકસવાળુ શર્ટ પહેર્યુ છે. તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. યુવાનને જે ઇજા છે તે પડી જવાથી જ થઇ કે અન્ય કોઇ રીતે? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. મૃતકની ઓળખ થયા પછી પોલીસ આગળ તપાસ કરશે. તસ્વીરમાં દેખાતાં યુવાનના કોઇ પરિચીત, વાલીવારસ, સગા સંબંધી હોય તો તાલુકા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:55 am IST)