રાજકોટ
News of Monday, 25th March 2019

ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના

પૂ.સાવિત્રીબાઈ મ.સ.જામનગર મુકામે કાળધર્મ પામ્યાઃ કાલે પાલખીયાત્રા

રાજકોટ :  ગોંડલ સંપ્રદાયના જશ, ઝવેર, સમય, પ્રભા, દિવ્ય, હીરક ગુરુણીના સુશિષ્યા  સાધ્વી રત્ના પૂ.સાવિત્રીબાઈ મહાસતિજી જામનગર મુકામે સમાધિ ભાવે આજરોજ તા.૨૫ને સોમવારના રોજ સવારના ૧૦ કલાકે નમસ્કાર મહામંત્રના સ્મરણ અને ચાર શરણાના સ્વીકાર સાથે કાળધર્મ  પામેલ છે.  તેઓને પૂ.માલતીબાઈ મહાસતિજીએ સંથારો અંગીકાર કરાવેલ.તેઓની ઉંમર લગભગ ૮૩ વષ  અને સંયમ પર્યાય ૫૫ વર્ષનો હતો.

અજયભાઈ શેઠે જણાવ્યું કે રત્નકુક્ષિણી માતુશ્રી કાન્તાબેન અને ધર્મપરાયણ પિતા શાંતિભાઈ મહેતા પરીવારમાં તેઓનો જન્મ થયેલ.ધર્માનુરાગી વાડીભાઈ, હરસખભાઈ, દિનેશભાઈ આદિ ત્રણ ભાઈઓ તથા ધમ  પ્રેમી દમયંતીબેન અને સ્વ.સરલાબેન આદિ ચાર બહેનોનો વિશાળ પરિવારમાં તેઓનો ઉછેર થયેલ.ચાર બહેનોમાથી  બબ્બે બહેનોએ ગોંડલ સંપ્રદાયમા જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી મહેતા પરીવારનું નામ રોશન કરેલ. 

પૂ.શારદાબાઈ અને પૂ.સાવિત્રીબાઈ મ.સ.બંને સાધ્વી ભગીનિઓએ હાલાર ક્ષેત્રમાં અપૂર્વ શાસન પ્રભાવના કરેલ.  મનોજ ડેલીવાળાએ  જણાવ્યું કે પૂ.સાવિત્રીબાઈ મ.સ.એ વિ.સં.૨૦૨૦ મ.વ.૧૧ ના જામનગર મુકામે ખંભાત સંપ્રદાયના પૂ.કાંતિઋષિજી મ.સા.ના શ્રી મુખેથી  કરેમિ ભંતે  નો પાઠ ભણી સંયમ ધમ  અંગીકાર કરેલ.છેલ્લા ઘણા વર્ષોથી નાદુરસ્ત આરોગ્યને કારણે વારિયાના ડેલા,ચાંદિ બજાર સંદ્ય,જામનગરમાં સ્થિરવાસ બીરાજમાન હતાં.પૂ.માલતીબાઈ મ.સ.તથા પૂ.સુધાબાઈ મ.સ.એ અગ્લાન ભાવે વૈયાવચ્ચ કરેલ.શ્રી ચાંદી બજાર સંઘેે પણ પ્રશંસનીય સેવા કરેલ.

 રાજકોટ બીરાજમાન ગુરુણી મૈયા શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ સ.ને પૂ.સાવિત્રીબાઈ મ.સ.ના કાળધર્મના સમાચાર મળતા દુઃખની લાગણી વ્યકત કરેલ છે.  ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર ( જુનાગઢ ) તથા દિલીપભાઈ પારેખે ( ગોંડલ ) સંયુકતપણે જણાવ્યું કે સુદીર્ધ  સંયમ પર્યાયધારી સરળ આત્મા પૂ.સાવિત્રીબાઈ મ.સ.કાળધર્મ પામવાથી જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.અલ્પ સમયમાં ગોંડલ સંપ્રદાયમાં ચાર - ચાર સાધ્વી રત્નાઓના કાળધર્મથી ગોંડલ સંપ્રદાયમાં જબરદસ્ત ખોટ પડી છે.

 પાલખી યાત્રા 

પૂ.સાવિત્રીબાઈ મહાસતિજીની પાલખી યાત્રા આવતી કાલ મંગળવાર તા.૨૬/૩/૧૯ ના સવારે ૮.૩૦ કલાકે,વારિયાના ડેલા,ચાંદી બજાર સંદ્ય,જામનગરથી જય જય નંદા,જય જય ભદ્દાના જય નાદ સાથે નીકળશે તેમ  હેમતભાઈ મહેતાએ  જણાવ્યું છે.

(3:42 pm IST)