રાજકોટ
News of Monday, 25th March 2019

ચૂંટણી ટાણે ખેડૂતોમાં નારાજગી ઉગાડતો પાક વીમોઃપડધરી, ઉપલેટા, ધોરાજી તાલુકાને એક રૂપિયો'ય નહિ!

રાજકોટ જિલ્લામાં મગફળીના ૩૧૯ કરોડ મંજૂરઃ બે તાલુકા બાકીઃ ભારે આંકડાકીય વિસંગતતા

રાજકોટ, તા., ૨૫: સૌરાષ્ટ્રમાં ર૦૧૮ના વર્ષમાં મગફળીનું વાવેતર થયેલ  તે મોટા ભાગે નિષ્ફળ જતા ખેડુતો પાકવિમો  મેળવવા આશાવાદી બનેલ. વિમા કંપની દ્વારા મંજુર થયેલ  પાક વિમાના આંકડા સામે આવી રહયા છે તેનાથી ખેડુતોમાં ભારે નારાજગી વ્યાપી છે. અમુક તાલુકાઓમાં  સંતોષકારક વિમો મળ્યો છે પરંતુ અમુક તાલુકાઓમાં ખેડુતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડુતો વિમાના સતાવાર આંકડાની રાહ જોઇ રહયા છે.

આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં  મગફળીના પાક વિમા પેટે રૂ. ૩૧૯ કરોડ મંજુર થયા છે. કોટડાસાંગાણીમાં ૪૪ ટકા,  કંડોરણામાં ૪૭ ટકા, જેતપુરમાં ૩ર ટકા અને ગોંડલમાં ર૬ ટકા પાક વિમો મળ્યો છે. લોધીકા-જસદણ અને વિંછીયા તાલુકાના આંકડા સામે આવેલ નથી. પડધરી, ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ૦ ટકા વિમો મંજુર થયો છે એટલે કે વિમા કંપનીએ આ ત્રણેય તાલુકાઓને વિમા પેટે એક રૂપીયો પણ મંજુર નહિ કર્યાનું જાણવા મળેલ છે. ખેેડુતો સુધી આ વાત પહોંચી જતા શાસક પક્ષના કેટલાક આગેવાનોએ સરકારમાં દોડધામ શરૂ કરી છે. પડધરી તાલુકાને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે પરંતુ વિમા કંપનીએ વિમો દેવા લાયક ન ગણ્યાનું બહાર આવેલ છે.

(3:41 pm IST)