રાજકોટ
News of Thursday, 25th February 2021

જીંદાદિલ, પ્રેમ, લાગણી, સંબંધના ભેખધારી અને સાહિત્યપ્રેમી

મહેન્દ્રસિંહજી જાડેજાઃ દિલદાર વ્યકિતની વસમી વિદાય

સ્વ.મહેન્દ્રસિંહની જીવનશૈલી એકદમ સાદી અને સરળ હતીઃ હરભમજી ગરાશીયા છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી હતી : તેઓની પાસે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના મહાન લેખકોના પુસ્તકોનો ખજાનો હતો, ધર્મના પુસ્તકોનો ભંડાર ધરાવતાઃ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા, વિવિધ ધર્મનું અપાર જ્ઞાન હતું

જીંદાદિલ, પ્રેમ, લાગણી અને સબંધના ભેખધારી અનેક વિષયના ઉડા અભ્યાસુ સાહિત્યપ્રેમી મહેન્દ્રસિંહની વિદાયથી વિશાળ ચાહક વર્ગને કાયમી ખોટ સાલશે.

સ્વ.શ્રી મહેન્દ્રસિંહ જાડેજા (કાંગશીયાળી) ના દુઃખદ અવસાનથી માત્ર ક્ષત્રિય રાજપુત સમાજે નહી પણ વિવિધ સમાજના વિશાળ વર્ગે એક જીંદાદિલ, પ્રેમ લાગણી અને સંબંધના દરિયાદીલી અનેક વિષયના ઊંડા અભ્યાસું વિવિધ ક્ષેત્રના જ્ઞાનના ભંડારના માલિક ગુમાવ્યા છે. સ્વ.શ્રી મહેન્દ્રસિંહના પિતા શ્રી દાનસિંહ જાડેજા, રાજકોટ રાજ્યના ભાયાત અને કાંગશીયાળીના સમૃદ્ધપ્રતિષ્ઠીત જમીનદાર હતા. તેઓએ લાંબા સમય સધી રાજકોટના નામદાર ઠાકોર સાહેબ શ્રી પ્રદ્યુમનસિંહજીના એ.ડી.સી. તરીકે સેવા આપેલ. જેથી સ્વ.શ્રી મહેન્દ્રસિંહજીનું રાજકોટ રાજપરિવાર સાથે બચપનથી ગાઢ જોડાણ હતું. તેઓ રાજકોટ ઠાકોર સાહેબ અને જાહેર જીવનનું અતિ મુલ્યવાન ઘરેણ, આમ પ્રજાના દિલના રાજા સ્વ.શ્રી મનોહરસિંહજી (દાદા) સાથે તેઓને અતિ નિકટતાનો પ્રેમ ભરેલ નાતો હતો. પરમ વંદનીય દાદા કોલેજ કાળથીજ જુદી જુદી ભાષાના વિદ્યવાન લેખકોના પુસ્તકોના ઉત્તમ વાંચક અને તેના ઉપર મનન, મંથનના શોખીન હતા. જેનો લાભ શ્રી મહેન્દ્રસિંહને પણ સપ્રમાણસર મળેલ પ.દાદાની સંગત અને નિકટતાથી સ્વ. શ્રી મહેન્દ્રસિંહજીએ હાઇસ્કુલ સુધીનં શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મેળવેલ તેમ છતા અંગ્રેજી વાંચનના શોખને સમૃદ્ધ કરવા એમ.એ.વીથ ઇંગ્લીશની પદવી પ્રાપ્ત કરેલ તથા ડીપ્લોમાં ઇન ગાંધી અને ફ્લોસોફીની ડીગ્રી ધરાવતા.

સ્વ. શ્રી મહેન્દ્રસિંહજી દેશ, વિદેશના વિવિધ વિષયના લેખકોના પુસ્તકોના અભ્યાસુ અને અભ્યાસ બાદ મનન મંથનનો આગવો શોખ ધરાવતા. તેમની પાસે ગજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના મહાન લેખકોના પુસ્તકનો ખજાનો છે અને સાથોસાથ ધર્મના પુસ્તકોનો ભંડાર ધરાવતા. તેઓનું વારસાગત સ્વામીનારાયણ ધર્મ સાથે ગાઢ જોડાણ હતું, તેમ છતા તેમની પાસે વિવિધ ધર્મનું અપાર જ્ઞાન હતું

કારણ કે તેઓ અનેક વંદનીય સાધુ, સંત-પુરૂષો સાથે અનેક વિષય ઉપર ગહન ચર્ચા-વિચારણા કરવી તેમને ખૂબ જ ગમતી. ઉમદા વાંચન બાદ વિવિધ વિષય ઉપર સાહિત્ય પ્રેમીઓ અને મિત્રો સાથે આ અંગે વિચારોની આપેલ કરવા એ એમનો પ્રિય વિષય હતો.

સુખી સંપન્ન જમીનદારના વારસદાર અને રાજવી પરિવાર સાથે નિકટતા તેમ છતા તેઓની જીવનશૈલી ખૂબ જ સાદી સરળ હતી. સીંપલ લિવીંગ હાઈ થીંકીકના અમલસહ જીવન જીવતા જેનું એક જ ઉદાહરણ તેઓ અંતિમ દિવસો સુધી તેમના પિતાશ્રીએ બનાવેલ વિજય પ્લોટના અતિ જુના અને નાના મકાનમાં અતિ ઉચા ઉમદા વિચારોની મોજ સાથે રહેલ. તેઓ શિક્ષણના અતિ આગ્રાહી અને હિમાયતી હતા. તેઓ બહુ સ્પષ્ટપણે જણાવતા કે આ યુગ અને આવનાર સમયમાં આધૃનિક શિક્ષણ એ જ શ્રેષ્ઠ સંપતિ રહેવાની, જેથી શકય તેટલુ બાળકોને વારસામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવો જરૂરી અને અનિવાર્ય છે. તેમના આ વિચારોને કારણે તેમની પુત્રી જય લક્ષ્મીબા રાજકોટ એમ.વી.એમ. મહિલા કોલેજના પ્રિન્સીપાલ પદે અને બીજી પુત્રી જ્યોતિર્મબા રાજકુમાર કોલેજમાં ગૌરવવંતા સ્થાને સેવા આપે છે.

તેઓએ શોખને કારણે પ્રાપ્ત કરેલ નોલેજનો સમાજને લાભ મળે તેવી ભાવના સાથે રાજકુમાર કોલેજના પ્રાધ્યાપક પદે સેવા આપેલ અને રાજપુત ક્ષત્રીય સમાજના બાળકોને સંસ્કાર અને શીસ્ત સાથે શિક્ષણ મળે તે માટે શ્રી હ૨ભમજી ગરાશીયા છાત્રાલયના ગૃહપતિ તરીકે પણ સેવા આપેલ.

સ્વ.શ્રી મહેન્દ્રસિંહજીએ વતન કાંગશીયાળીના લોકોના આગ્રહને કારણે ગામના સરપંચપદે રહી પ્રજાહિત અને ગામના વિકાસની નોંધનીય કામગીરી બજાવેલ, જેથી કાંગશીયાળી ગામના સર્વે લોકો તેમને ખૂબ જ સન્માન માન આપતા. માત્ર કાંગશીળાનાજ લોકો નહી પણ લોધીકા તાલુકાના અનેક ગામના ગ્રામ્યજનો સ્વ.શ્રી મહેન્દ્રસિંહજીના વ્યવહાર, નમ્રતા અને ઉમદા વિચારોથી તેમને ખૂબ જ આદર સન્માન આપતા હતા. તેમનો કુટુંબ પ્રેમ સરાહનીય હતો અને કુટુંબની ફરજો પણ ખૂબ જ નિષ્ઠાથી બજવતા.

સ્વ.શ્રી મહેન્દ્રસિંહ અને સમગ્ર પરિવારને મા-બાપ અને બહેનના ત્રિવેણી સંગમ સમો પ્રેમ, લાગણી અને હફ આપતા મોટાબેન ગં.સ્વ.દિલહરબા ગોહીલ (લાઠી), નાનાભાઈ શ્રી પુરણસિંહ (બાળાભાઈ) જેઓ પણ ઉમદા વાંચનના શોખીન છે અને તેઓ પણ અનેક વિષયનું આગવું જ્ઞાન ધરાવે છે, પત્ર શ્રી ઘનશ્યાસિંહ, વ્હાલી દિકરીઓ, શ્રી દુર્ગાબા, જયલક્ષ્મીબા, જ્યોતિર્મબા (ખમ્માબા), યોગીનીબા, પૌત્ર કુ. શ્રી તીર્થરાજસિંહ અને સમગ્ર જાડેજા પરિવારે શીતળ છાયો આપતો વડલો ગુમાવ્યો છે. જેથી સમગ્ર જાડેજા પરિવાર દુઃખ અને ગમગીનીમાં ડબી ગયેલ છે.

સ્વ.શ્રી મહેન્દ્રસિંહજીની ચીર વિદાયથી માત્ર રાજપુત ક્ષત્રિય સમાજ નહી પણ વિવિધ સમાજના વિશાળ વર્ગે એક જીંદાદિલ, પ્રેમ લાગણી અને સંબંધની ખેવનાથી છલકતા ઉમદા અને આગવા જ્ઞાનને પરબ ગમાવ્યુ છે. તેમના જવાથી સગા સંબંધી મિત્રો, વિશાળ ચાહક વર્ગ અને અને બહદ સમાજે એક મુલ્યવાન મહામાનવ ગુમાવ્યો છે. જેની ખોટ લાંબા સમય સુધી રહેવાની છે.

તેમના અમર આત્માને મોક્ષ અને ચીર શાંતી મળે એજ પ્રભુના ચરણેનતમસ્તક પ્રાર્થના.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

રાજકોટ મો.૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:01 pm IST)