રાજકોટ
News of Thursday, 25th February 2021

હાશ...ડુંગળીમાં કિલોએ ૧૦ રૂ. તુટયા

સૌરાષ્ટ્રના યાર્ડોમાં બમ્પર આવકના પગલે ભાવમાં કડાકો : ડુંગળી એક મણના ભાવ પ૦૦ થી ૭૦૦ રૂ. હતા તે ઘટીને ૩૦૦થી પ૦૦ અને કિલોના ભાવ પ૦ થી ૬૦ હતા તે ૪૦ થી પ૦ થઇ ગયા

રાજકોટ તા.રપ : સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ડુંગળીની બમ્પર આવકના પગલે ભાવમાં કડાકો થયો છે. ડુંગળીમાં મણે ૧પ૦ થી ર૦૦ અને હોલસેલમાં કિલોએ ૧૦ રૂ. ઘટી ગયા છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ડુંગળીનો બમ્પર પાક થયો છે. એક તબકકે ડુંગળીના ભાવો ઘટી જતા ખેડુતોમાં દેકારો બોલી ગયો હતો. જો કે, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં સૌરાષ્ટ્રની ડુંગળીની લેવાલી નીકળતા ડુંગળીના ભાવો ફરી સળગી જતા ગૃહિણીઓમાં સીસકારો બોલી ગયો હતો. છેલ્લી એક અઠવાડીયાથી ડુંગળીના ભાવો વધી રહ્યા છે.

દરમિયાન આજે રાજકોટ યાર્ડમાંં પ૦ હજાર કટા, ગોંડલમાં ૧.પ૦ લાખ કટ્ટા, ભાવનગરમાં ૩પ૦ લાખ કટ્ટા તથા મહુવામાં ૧.પ૦ લાખ ડુંગળીના કટ્ટાની આવકના પગલે ડુંગળીના ભાવોમાં કડાકો થયો છે. ડુંગળી એક મણ (ર૦ કિલો)ના ભાવ પ૦૦ થી ૭૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૩૦૦ થી પ૦૦ રૂ. થઇ ગયા છે જયારે ડુંગળી હોલસેલમાં એક કિલોના ભાવ પ૦ થી ૬૦ રૂ. હતા તે ઘટીને ૪૦ થી પ૦ રૂ. થઇ ગયા છે.આગામી દિવસોમાં હજુ પણ ડુંગળીના ભાવો ઘટશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

(3:17 pm IST)