રાજકોટ
News of Tuesday, 25th January 2022

ગુરૂવારે ઘરે-ઘરે રસીકરણઃ મનપા એકશન મોડમાં

૧.ર૦ લાખ લોકોને બીજો ડોઝ બાકીઃ તા.ર૮ થી ૧૦ દિ' સ્વાસ્થ્યલક્ષી સર્વે હાથ ધરાશેઃ અમીત અરોરા

રાજકોટ, તા., રપઃ મનપા દ્વારા ગુરૂવારે  ડયુ થઇ ગયા હોય તેવા સવા લાખ લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવા મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અને તા.ર૮ થી ૧૦ દિવસ ડોર ટુ ડોર આરોગ્ય તંત્ર દ્વારા  સ્વાસ્થ્યલક્ષી સર્વે હાથ ધરાશે તેમ મ્યુનીસીપલ કમિશ્નર અમીત અરોરાએ જણાવ્યું હતું.

કોરોનાના બંન્ને ડોઝ લેનારા લોકોને તો કોરોનાની નહીવત અસર થતી હોય તેવુ પણ ચિત્ર દેખાયું છે. આથી બીજો ડોઝ લેવામાં બાકી નાગરીકો વહેલાસર બીજો ડોઝ લઇ લે તેવી તંત્ર સતત અપીલ કરે છે. રાજકોટમાં  ડયુ  થઇ ગયા હોય (૮૪ દિવસ) તેવા સવા લાખ લોકો હજુ બીજો ડોઝ લેવા આવ્યા નથી.  આ અંગે અમીત અરોરાએ જણાવ્યું હતું કે, મનપા તંત્ર દ્વારા ગુરૂવારે ઘરે-ઘરે મેગા વેકશીનેશન ડ્રાઇવ યોજીને  જેઓને બીજો ડોઝ લેવાની તત્કાલ જરૂર છે તેવા લોકોની યાદી બનાવી ફોન નંબરના આધારે સંપર્ક કરીને બીજા ડોઝ માટે વેકશીનેશન કરવામાં આવશે.

વધુમાં અમીત અરોરાએ જણાવ્યું હતું કે હવે હાલની સ્થિતિ જોતા તા.ર૮ ને શુક્રવારથી આરોગ્ય તંત્રની પ૩૦ ટીમો દ્વારા તમામ ૧૮ વોર્ડમાં શરદી, ઉધરસ સહીતની આરોગ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવશે. સામાન્ય લક્ષણ ધરાવતા લોકો પણ નિદાન કરાવી લ્યે તેવી સલાહ આપવામાં આવશે. આ સર્વેમાં ધન્વંતરી રથ સાથે રાખવામાં આવશે. આ ઉપરાંત આ સર્વેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ ઉપરાંત શિક્ષણ સમીતીના શિક્ષકોને પણ જોડવામાં આવશે.

(3:53 pm IST)